વડોદરાઃ અમદાવાદ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત રાજ્યની છ મ્યુનિસિપલ કોર્પોરેશનની મતગણતરી આજે મંગળવારે હાથ ધરાઈ છે ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ 7માં ભાજપના ચારેય ઉમેદવારની જીત થઈ છે. આ પૈકી ભાજપનાં ઉમેદવાર ભૂમિકા રાણાની વય માત્ર 22 વર્ષની જ છે. આ વોર્ડમાં કોંગ્રેસની ટિકિટ પર છેલ્લી ચૂંટણીમાં જીતેલાં ભૂતપૂર્વ કોર્પોરેટર જાગૃતિ રાણાની હાર થઈ છે.


વડોદરામાં ભાજપે કોંગ્રેસ પાસેથી વોર્ડ નંબર 7માં બે બેઠકો આંચકી લીધી છે અને ભાજપનાં સૌથી યુવા મહિલા ઉમેદવાર ભૂમિકા રાણાની જીત થઈ છે. ભૂમિકા રાણાની ઉંમર 22 વર્ષ છે. ભૂમિકાએ પોતાની જીત બાદ કહ્યું કે, વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી મારા આદર્શ રહ્યા છે અને અમે ઈમાનદારીથી પ્રજાના કામો કરીશું.

વડોદરા મહાનગર પાલીકાના વોર્ડ નંબર 13ના ઊમેદવાર બાળુ સુર્વેની જીત થઈ છે અને સુર્વે સતત ત્રીજી વખત કોર્પોરેટર બન્યા છે. આ ઉપરાંત વોર્ડ નંબર 1માં કોંગ્રેસની પેનલની જીત થઈ છે જ્યારે વોર્ડ નંબર 10માં ભાજપની પેનલની જીત થઈ છે. વોર્ડ નંબર 16માં કોંગ્રેસના બે ઉમેદવાર અને ભાજપના બે ઉમેદવારની જીત થઈ છે.