વડોદરા: વડોદરામાં આજે એન્ટી કરપ્શન બ્યુરોએ લાંચ લેતાં મામલતદાર અને નાયબ મામલતદારને રંગેહાથે ઝડપી લીધા હતા. એન્ટી કરપ્શન બ્યુરોની રેડથી મહેસૂલી અધિકારીઓમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો. આ બન્ને અધિકારીએ માટીકામનો પરવાનો આપવાના બદલામાં લાંચ માગી હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી રહી છે. એસીબીએ બન્નેને રંગેહાથે પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર વડોદરા શહેરમાં મામલતદાર અને ડેપ્યુટી મામલતદાર તરીકે કાર્યરત બે અધિકારીઓએ માટીકામનો પરવાનો આપવા માટે મોટી રકમની માંગ કરી હતી. બાદમાં રકઝકના અંતે એક લાખ રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. લાંચ આપવાનું મંજૂર ન હોય વ્યક્તિ દ્વારા એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એસીબીએ છટકું ગોઠવીને એક લાખ રૂપિયાની રોકડ લેતાં મામલતદાર અને નાયબ મામલતદારને રંગેહાથે ઝડપી લીધા હતા.

એસીબીના છટકામાં મામલતદાર અને નાયબ મામલતદાર સપડાઈ ગયા હોવાની વાત વાયુવેગે પ્રસરી જતાં મહેસૂલી અધિકારીઓમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ બન્નેની ધરપકડ કરી એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે મહેસૂલી અધિકારીઓ એસીબીના છટકામાં સપડાયા હોય તેવી વડોદરામાં જવલ્લે જ બનતી ઘટનાઓ પૈકીની આ એક ઘટના છે. એસીબીએ આ રીતે લાંચ માગતાં અધિકારીઓ વિરુદ્ધ સામે આવવા લોકોને અપીલ કરતાં જણાવ્યું છે કે કોઈ સરકારી અધિકારી લાંચની માંગ કરે એટલે તાત્કાલિક એસીબીનો સંપર્ક કરવો જોઈએ.