વડોદરાઃ વડોદરાના માર્કેટ નિષ્ણાંત જગદીશ ઠક્કર દ્વારા પેટ્રોલ-ડિઝલના ભાવને લઈને મોટો ધડાકો કર્યો છે. તેમણે કહ્યું કે, 5 રાજ્યોમાં ચાલતી ચૂંટણીને લઈને પેટ્રોલ ડીઝલના ભાવ નથી વધી રહ્યા. જે બાદ એક સાથે પ્રતિ લીટર 10 થી 15 રૂપિયા વધશે. 10મી માર્ચ પછી પેટ્રોલ-ડિઝલના ભાવમાં એક સાથે 10થી 15 રૂપિયાનો વધારો આવે તો નવાઇ નહીં, તેમ તેમણે જણાવ્યું હતું.



જગદીશ ઠક્કરે શેર બજારમાં કડાકા મુદ્દે પણ નિવેદન પણ આપ્યું હતું કે,  રશિયાએ યુક્રેન પર હુમલો કરતાજ ભારતીય શેર બજારમાં કડાકો બોલ્યો છે. 12 થી 14 લાખ કરોડ શેર બજાર નીચે ગયું છે. ઇતિહાસનો સૌથી મોટો 10મો કડાકો બોલ્યો છે. કોરોનાના લોક ડાઉન સમયે કડાકો બોલ્યા બાદ આજે ફરીથી કડાકો થયો છે. જો યુદ્ધની સ્થિતિ રહી તો આવતીકાલના બજારમાં વધુ અસર થઈ શકે છે.


યુક્રેન અને રશિયા વચ્ચેના મહાયુદ્ધની અસર શેર બજાર પર પડી હતી. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધના કારણે સેન્સેક્સ 2700 પોઇન્ટના કડાકા સાથે 55,234 પર બંધ રહ્યો હતો જ્યારે  605 પોઈન્ટના કડાકા સાથે નિફ્ટી 16,457 પર બંધ થયો હતો.


આજે સેન્સેક્સ 2788 પોઇન્ટના ઘટાડા સાથે 54,445 તો નિફ્ટી 842 પોઇન્ટના ઘટાડા સાથે 16,218 પોઇન્ટ પર બંધ થયો હતો. 23 માર્ચ 2020 બાદ શેર બજારમાં પોઇન્ટ્સ મામલામાં આ સૌથી મોટો ઘટાડો છે. નિફ્ટી લગભગ પાંચ ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો.


શેરબજારમાં આવેલા ઘટાડાથી કોઇ પણ સેક્ટર બચી શક્યું નથી. બેન્કિંગ સેક્ટરથી લઇને મિડ કેપ અને સ્મોલ કેપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટીના તમામ 50 શેરમાં ઘટાડો નોંધાયો છે. આજે નોંધાયેલા ઘટાડાથી રોકાણકારોના નવ લાખ કરોડથી વધુની સંપત્તિનું ધોવાણ થયું છે. બજારમાં સૌથી મોટો ઘટાડો ટાટા મોટર્સમાં  જોવા મળ્યો હતો. ટાટા મોટર્સ 10 ટકા ઘટીને 428 રૂપિયા પર બંધ થયો હતો.