વડોદરા: શિનોર તાલુકા પંચાયત હસ્તકની ૪૦ ગ્રામ પંચાયત વચ્ચે માત્ર ૧૯ તલાટી કમ મંત્રી હોવાની વાત સામે આવી છે. તલાટીઓની ઘટ પૂરાતી ના હોવાથી લોકોને ગ્રામ પંચાયતની કામગીરી માટે હાડમારી ભોગવવાનો વારો આવે છે. ગ્રામ્ય કક્ષાની પ્રજાનાં સરકારી કામકાજો માટે ભારે હાલાકી સહન કરવી પડે છે. ખાલી પડેલી તલાટીઓની જગ્યાઓ સત્વરે ભરવામાં આવે તેવી લોકો દ્વારા માગ કરવામાં આવી છે.
વડોદરાના શિનોર તાલુકામાં કુલ ૪૧ ગામો છે. એક જૂથ ગ્રામ પંચાયત સાથે કુલ ૪૦ ગ્રામ પંચાયતો છે. તાલુકામાં મહેકમ પ્રમાણે તલાટીઓની કુલ ૩૭ જગ્યાઓમાં હાલ મહેકમ સામે માત્ર ૨૧ તલાટી છે. તાલુકામાં ૪૦ ગામોમાં માત્ર ૧૯ તલાટી કમ મંત્રીઓ ફરજ બજાવે છે. નવ ગ્રામ પંચાયતોમાં વહીવટદાર તરીકેનો પણ વધારાનો ચાર્જ સોપાયો છે. કેટલાંક તલાટીઓ તો ત્રણ થી વધુ ગ્રામ પંચાયતોના ચાર્જમાં કામગીરી સંભાળી રહ્યાં છે. જેને પગલે તેઓ નિયમિત રીતે દરેક ગામમાં પહોંચી શકતાં નથી. હાલમાં તાલુકા પંચાયતથી લઈ ઉપર સુધી ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ હોવા છતાં શિનોર તાલુકામાં ૧૯ તલાટી ૪૦ ગ્રામ પંચાયતો ફરજ બજાવે છે. શિનોર તાલુકામાં ગ્રામ પંચાયતોમાં તલાટીઓની જગ્યાઓ સત્વરે ભરવામાં આવે તેવી લોકોની માગ છે.
રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગે શું કરી આગાહી?
ગાંધીનગરઃ રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની કોઇ શક્યતા ન હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આ વર્ષે ચોમાસુ 10 જૂનની આસપાસ બેસવાની શક્યતા હતી. પરંતુ પવનની પેટર્ન સાનુકુળ ન હોવાથી કેરળમાં ચોમાસુ 2 દિવસમાં સત્તાવાર બેસી જશે. તો ગુજરાતમાં 20 જૂન સુધી ચોમાસુ બેસવાની કોઈ શક્યતા નથી. કેરળમાં ચોમાસુ બેસ્યા બાદ પશ્ચિમ કાંઠા તરફ ખુબ ધીમેથી આગળ વધશે. જેથી આગામી 15 દિવસ સુધી ચોમાસાની ગતિ ધીમી રહેશે.
એટલુ જ નહીં રાજ્યમાં વરસાદ ખેંચી લાવે તેવા પવનની સાનુકુળ પેટર્ન ન રચાતા વહેલુ ચોમાસું બેસે તેવા હાલમાં કોઈ સંજોગો નથી. તો આ તરફ ગરમીનો પારો ફરી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. દક્ષિણ-પશ્ચિમ પવન વચ્ચે રાજ્યમાં 3 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. આમ લોકોને ફરીથી ગરમીનો સામનો કરવો પડી શકે છે
બીજી તરફ આગામી બે દિવસમાં કેરળમાં ચોમાસુ પહોંચે તેવી શક્યતા છે. પવનની પેટર્ન બદલાતા ગુજરાતમાં 20-21 જૂન વચ્ચે ચોમાસુ બેસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. તે સિવાય બે દિવસ બાદ ગુજરાતમાં તાપમાન 43 ડિગ્રી પહોંચે તેવી પણ હવામાન વિભાગે આગાહી કરી હતી.