Vadodara News: 1.80 કરોડનો ચેક રીટર્ન થતા ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડને કોર્ટે એક વર્ષની સજા ફટકારી છે. તેમણે કન્સલ્ટન્ટ સાથે ભાગીદારીમાં દુમાડમાં જમીન ખરીદી હતી, જેમાં ભાગીદારને આપેલો ચેક બાઉન્સ થયો હતો. ચેક બાઉન્સ થતા નેગોસીએબલ ઇન્સ્ટયુંમેન્ટના કાયદા હેઠળ દોષિત જાહેર કરાયા હતા. ભાગીદાર પ્રોજેક્ટ ફાઇનાન્સ કન્સલ્ટન્ટ પાસે જમીનમાં નાણાંનું રોકાણ કરાવી વેચાણ નફાના રૂપિયા 2 કરોડના ચેક રિટર્ન કેસમાં ભાજપના વોર્ડ નંબર-18ના કાઉન્સિલરને 1 વર્ષની સાદી કેદની સજા અને ફરિયાદીને વળતર પેટે રૂપિયા 1,43,27,000 ચૂકવવા હુકમ કરતા રાજકીય મોરચે મોરચે ખળભળાટ મચી ગયો હતો. આ કેસમાં કોર્ટે નોંધ્યું છે કે, આરોપીની નાણાં પરત આપવાની દાનત નથી.
આ કેસની વિગત એવી છે કે, શહેરના સમા રોડ ખાતે રહેતા કેયુર રમેશભાઈ પટેલ પ્રોજેક્ટ ફાઇનાન્સ કન્સલ્ટન્ટના વ્યવસાય સાથે સંકડાયેલ છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, મજલપુરમાં આવેલ પરસોત્તમ નગર સોસાયટીમાં રહેતા ભાજપના કાઉન્સિલર કલ્પેશ મનુભાઈ પટેલે માંજલપુર ખાતે જીમનેસિયમનો પ્રોજેક્ટ કર્યો હતો. જે માટે કલ્પેશ પટેલે લોન મેળવવા તથા પ્રોજેક્ટ તૈયાર કરવા પ્રોજેક્ટ ફાઈનાન્સ કન્સલ્ટન્ટ તરીકે મારી સલાહ લીધી હતી અને કલ્પેશ પટેલ પોતે ખેડૂત છે. હું તેમાં રોકાણ કરું તો જમીન ખરીદીનો જે નફો થાય તે ચૂકવી આપવાની ખાતરી આપી ભાગીદારી કરી હતી.
વર્ષ 2013ના કરાર અનુસાર કેયુરભાઈએ જમીન ખરીદવા કલ્પેશ પટેલને રૂપિયા 1,68,75,000 રકમ રોકાણ પેટે આપી હતી. તે જમીનનું વેચાણ થતા કલ્પેશ પટેલે રૂપિયા 1.80 કરોડ લેખિત કરાર થકી ચૂકવી આપવાની જવાબદારી સ્વીકારી હતી. જે પેટેનો રૂપિયા 2,09,53,000નો ચેક બેન્કમાં ડિપોઝિટ કરાવતા રિટર્ન થયો હતો. આ દરમિયાન કેયુરભાઇએ પોતાના વકીલ મારફતે નોટિસ મોકલવા છતાં કોઈ જવાબ ન મળ્યો હતો. જેથી, કેયુરભાઈએ કલ્પેશ પટેલ સામે ધી નેગોસિબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 મુજબ કેસ કર્યો હતો. આ સુનાવણી હાથ ધરાતા ફરિયાદ પક્ષ તરફે ધારાશાસ્ત્રી એસ.એચ.પટેલ અને આરોપી પક્ષ તરફે ધારાશાસ્ત્રી કે.એમ.ભટ્ટે દલીલો કરી હતી.
બંને પક્ષોની દલીલો અને પુરાવાની ચકાસણી બાદ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે નોંધ્યું હતું કે, કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંત અનુસાર કાયદો ઘડવા પાછળનો લેજીસ્લેચરનો ઇરાદો કાયદાને અસરકારક બનાવવાની મુખ્ય ફરજો અદાલતોની છે. નાણાકીય વ્યવહારમાં ચેક આપવાની ગંભીરતાનો તેમને ખ્યાલ હોવો જોઈએ. આરોપીની દાનત ફરિયાદીને રકમ પરત નહીં આપવાની જણાય છે. આરોપીની વર્ણતુંકને લક્ષમાં રાખી પ્રોબેશનનો લાભ આપવો યોગ્ય જણાતો નથી.