Vadodara Crime News: વડોદરામાં વધુ એકવાર એક યુવક સાયબર ક્રાઇમનો ભોગ બન્યો છે. ન્યૂડ વીડિયો કૉલ ગેન્ગ દ્વારા યુવાન છેતરાયાની ફરિયાદ નોંધાઇ છે, અને આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. ન્યૂડ વીડિયો કૉલ દ્વારા યુવાન પાસેથી આ ગેન્ગે 3 લાખથી વધુની રકમ ખંખેરી લીધી હતી અને બાદમાં ધમકીઓ પણ આપવામાં આવી રહી હતી.
મળતી માહિતી પ્રમાણે, વડોદરામાથી વધુ એકવાર ન્યૂડ વીડિયો કૉલનું મોટુ ષડયંત્ર સામે આવ્યુ છે. પોલીસે આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરતાં બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. શહેરના હરણી રૉડના એક યુવકને અગાઉ એક ન્યૂડ વીડિયો કૉલ આવ્યો હતો, જે પછી તેને ધમકી આપીને 3 લાખ 33 હજાર રૂપિયા સાયબર ગઠિયા ગેન્ગે પડાવી લીધા હતા, હાલમાં આ મામલે બે આરોપીઓ પોલીસની પકડમાં છે, સાયબર સેલે સાજીદ ખાન જાહુલખા અને માજીદ ખાન જાહુલખા નામના બે આરોપીઓની આ મામલે ધરપકડ કરી છે. આ કેસમાં મળતી માહિતી પ્રમાણે, બન્ને આરોપીઓ સાજીદ ખાન અને માજીદ ખાને રાજસ્થાનમાંથી વીડિયો કૉલ દ્વારા ફ્રૉડ આચરવાની તાલીમ લીધી હતી. છ મહિના પહેલા રાજસ્થાનમાં આ બન્નેએ સાયબર ફ્રૉડની તાલીમ લઇને ઠગાઇનો વેપલો શરૂ કર્યો હતો. શરૂઆતમાં તેઓએ વડોદરા હરણી રૉડ પર રહેતા એક યુવકને વીડિયો કૉલ કર્યો અને તેની સાથે યુવતીના નામે વાતચીત કરાઇ હતી, બાદમાં પીડિત યુવકને કપડાં ઉતારવાનું કહેવામાં આવ્યુ હતુ. જો પીડિત તેઓના સકંજામાં ના આવે તો ચહેરો એડિટ કરીની વીડિયો બનાવી ધમકાવતા હતા. ગઠિયાઓ જ્યારે તે યુવાનને કૉલ કરતાં ત્યારે કહેતા કે તારુ કાર્ડ બંધ થવાનું છે, વેરિફિકેશન કરવુ પડશે નહીં. ગઠિયાઓએ શરૂઆતમાં વડોદરાના યુવક સાથે વીડિયો કૉલમાં યુવતીના ફોટા મુકીને વાત કરી હતી, બાદમાં ન્યૂડ વીડિયો કૉલ કરીને ફંસાયો હતો. જોકે, બાદમાં ગઠિયાઓએ આ યુવક પાસેથી 3 લાખ 33 હજાર પડાવી લીધા હતા. હાલમાં આ બન્ને આરોપીઓ પોલીસની પકડમાં છે અને કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે.