Vadodara News: ચાંણોદ પોલીસ સ્ટેશનનો જમાદાર રૂ.35 હજારની લાંચ લેતા ઝડપાયો હતો. દારૂની બે બોટલનાં કેસમાં એકની ધરપકડ બાદ બીજાની ધરપકડ કરી હેરાન નહી કરવા રૂ.40 હજાર માંગ્યા હતા. ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંણોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ મોતી વજાભાઇ રબારી દારૃના એક કેસમાં રૂ.35 હજારની લાંચ લેતા પોલીસ સ્ટેશનના ઇન્ટ્રોગેશન રૃમમાં જ એસીબીના હાથે ઝડપાઇ ગયો હતો.
શું છે મામલો
આ અંગેની વિગત એવી છે કે તા.22 નવેમ્બરના રોજ કરણેટ વસાહત-1થી પોર તરફ જતાં તેનતલાવ કેનાલ પાસેથી ચાંણોદ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ હરેશભાઇએ એક શખ્સને દારૂની બે બોટલ સાથે ઝડપી પાડયો હતો. પોલીસે તે સમયે દારૂની બોટલ લઇને જતા શખ્સ અને તેના પિતરાઇ ભાઇ સામે દારૂનો કેસ કર્યો હતો. આ કેસ બાદ દારૂ સાથે ઝડપાયેલો શખ્સ જામીન પર છૂટી ગયો હતો જ્યારે તેનો પિતરાઇ ભાઇની ધરપકડ બાકી હતી.
40 હજારની માંગી હતી લાંચ, રકઝકના અંતે 35 હજાર કર્યા નક્કી
આ કેસની તપાસ કોન્સ્ટેબલ મોતી વજાભાઇ કરતા હતાં. જેથી મોતી રબારીએ દારૃના કેસમાં અન્ય ફરાર આરોપીને પોલીસ સ્ટેશનમાં હાજર કરવા માટે તેમજ માર નહી મારી હેરાન નહી કરવા માટે રૂ.40 હજારની લાંચ માંગી હતી. આ રકમ વધારે હોવાથી રકઝકના અંતે રૂ.35 હજાર આપવા તેમ નક્કી થયું હતું. દરમિયાન લાંચ અંગેની ફરિયાદ એસીબીમાં આપતા છોટાઉદેપુરના પીઆઇ કે.એન.રાઠવાએ સ્ટાફ સાથે લાંચનું છટકું ગોઠવ્યું હતું.
લાંચની આ રકમ આપવા માટે અગાઉ ઝડપાયેલો શખ્સ પોલીસ સ્ટેશનમાં ગયો હતો અને ઇન્ટ્રોગેશન રૂમમાં પ્રાથમિક વાત કર્યા બાદ કોન્સ્ટેબલ મોતી રબારીને રૂ..35 હજાર લાંચની રકમ આપતાં જ એસીબીએ તેને તુરંત જ લાંચની રકમ સાથે ઝડપી પાડયો હતો. આ અંગે એસીબીએ ભ્રષ્ટાચાર અધિનિયર હેઠળનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.