GST Raid in Vadodara: તહેવારની સિઝન ટાણે રાજ્યમાં જીએસટી વિભાગ સક્રિય થયું છે. જેને લઈ વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. વડોદરા સાવલીમાં જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે. સાવલી ખાતે આવેલી રાકેશ ફટાકડાની ઓફિસ ખાતે જીસએટી ટીમ ત્રાટકી છે અને ઓફિસ તેમજ સાવલી ખાતે આવેલ અલગ અલગ ગોડાઉનમાં સર્ચ હાથ ધર્યું છે.


કર્મચારીઓમાં મચી નાસભાગ

દરોડા દરમિયાન  હાજર કર્મચારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. રાકેશ ક્રેકર્સ ગુજરાતના નામાંકિત ફટાકડાના વેપારી છે. હાલ જીએસટી વિભાગની સર્ચ કાર્યવાહી ચાલુ છે અને તપાસના અંતે મોટી કરચોરી હાથ લાગવાના સંકેતો છે.


ગુજરાત સ્ટેટ જીએસટી અધિકારીઓએ અમદાવાદના 57 સહિત રાજ્યભરમાં 79 મોબાઈલ ફોન શોપ માલિકો પર દરોડા પાડીને તેમના દ્વારા કરવામાં આવેલી જીએસટી ચોરી શોધી કાઢી છે. મોબાઈલ ફોન શોપના સંચાલકો કોઈપણ બિલ વગર જ રોકડ પર મોબાઇલ વેચીને કરોડો રૂપિયાની જીએસટી ચોરી કરી રહ્યા હતા. તપાસ દરમિયાન રૂ. ત્રણ કરોડની વસૂલાત કરવામાં આવી છે. 500 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. અમદાવાદના બિલ વગરના મોબાઈલ ખરીદ વેચાણ માટે કુખ્યાત મૂર્તિમંત માર્કેટ ઉપરાંત શહેરના ઘણા ઠેકાણે જીએસટી અધિકારીઓ ત્રાટ્યા હતા. તેમની ભેદી તપાસ અંતર્ગત સિનિયર અધિકારીઓને પણ સાચી માહિતી ન આપવામાં આવી હોવાનો ગણગણાટ ડિપાર્ટમેન્ટમાં શરૂ થઈ ગયો છે.




સ્ટેટ જીએસટીના અધિકારીઓ દ્વારા તાજેતરમાં જ ભંગાર તેમજ જુદી જુદી બ્યુટી ટ્રીટમેન્ટ આપતી સંસ્થાઓ અને અન્ય કોમોડિટીઝ પર દરોડા પાડીને કરોડોની જીએસટી ચોરી સુધી કાઢી હતી. કરોડ રૂપિયાની વસૂલાત પણ કરવામાં આવી છે ત્યારે જ અધિકારીઓના ધ્યાનમાં આવ્યું હતું કે અમદાવાદ સહિત રાજ્યભરમાં હજારો કરોડના મોબાઈલ વરસે દહાડે વેચાઈ રહ્યા છે. મોબાઈલનું આટલું મોટું માર્કેટ હોવા છતાં મોબાઇલનું વેચાણ કરતા તેમજ મોબાઇલની એસેસરીઝનું વેચાણ કરતા વેપારીઓ જેટલું વેચાણ થાય છે તેટલી જીએસટી ભરતા નથી.


વેપારીઓ મોબાઈલનું અને મોબાઈલ એસેસરીઝનો વેચાણ રોકડેથી કરતા હોવાથી તેની કોઈ જ એન્ટ્રી પાડતા નથી અને તેનો કોઈ રેકોર્ડ રાખતા નથી. મોબાઈલ શોપના ચાલાક સંચાલકો રોકડમાં વેપાર કરી જીએસટી ચોરી કરવા ઉપરાંત ખોટા બિલોને આધારે ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ પણ મેળવતા હતા. રાજ્યના ચોક્કસ વેપારીઓએ ખોટી રીતે 22 કરોડ રૂપિયાની ઇનપુટ એક્સ ક્રેડિટ પણ મેળવી હોવાનું અધિકારીઓના ધ્યાનમાં આવ્યું હતું. તેને પગલે અમદાવાદમાં 57, સુરત 8, ભુજ 4, રાજકોટના 3, જૂનાગઢ ત્રણ, વડોદરા બે અને મહેસાણાના બે મળી કુલ 79 મોબાઈલ શોપમાં દરોડા પાડીને અધિકારીઓએ મોટા પ્રમાણમાં વિવાદાસ્પદ વિગતો એકત્રિત કરી છે જ્યારે ઘણું ડેટા અને જુદી જુદી એન્ટ્રીઓ કબજે લીધી છે. અધિકારીઓએ તપાસ દરમિયાન ત્રણ કરોડ રૂપિયાની જીએસટીની વસૂલાત કરી છે.