વડોદરાઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે. રાજ્યમાં કોરોનાના દૈનિક કેસો 6 હજારને પાર થઈ ગયા છે. તેમજ મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. કોરોના મહામારીની કપરી પરિસ્થિતિમાં વડોદરાની એક વ્યક્તિનું ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. આ વ્યક્તિએ ટ્વીટ કરી છે કે, કોરોના પોઝિટિવ આવેલી વ્યક્તિને સંપૂર્ણ ક્વોરોન્ટાઇન પરિયડ દરમિયાન હાઇજેનિક ફૂડ મફતમાં આપશે. લંચ અને ડિનર બંને તેના ઘર સુધી મફતમાં પહોંચાડશે.
આ અંગે વધુ વાત કરીએ તો, વડોદરાના સુભાષ શાહ નામના યુઝરે કોરોનાના દર્દીઓને ઘરે મફત બપોર અને સાંજનું ભોજન આપવાની ઓફર કરી છે. તેમજ આના માટે ડાયરેક્ટ મેસેજ કરવાનું જણાવાયું છે. તેમણે જણાવ્યું છે કે, અમે કોરોના મહામારીમાં તમારી સાથે છીએ. જો તમારું કોઈ પરિવારનું સભ્ય કોરોનામાં સપડાયું છે, તો અમે તમને હાઇજેનિક લંચ અને ડિનર તમારા ઘર સુધી પહોંચાડીશું. જે સંપૂર્ણ ક્વોરોન્ટાઇન પરિયડ દરમિયાન ફ્રી ઓફ કોસ્ટ એટલે કે સાવ મફતમાં હશે. તેમણે ઉમેર્યું છે કે, અમે આ કોઈ નામ, પબ્લિસિટી કે ફોટા માટે નથી કરી રહ્યા. પ્લીઝ ડાયરેક્ટ મેસેજ.
શાહના ટ્વીટને ખૂબ જ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. તેમજ કેટલીક સંસ્થાઓએ પણ આ કામમાં જોડાવાની તૈયારી બાતવી છે. લોકોએ તેમના આ સેવા કાર્યને ખૂબ જ બિરદાવ્યું છે.
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) ની બીજી લહેર વધુ ઘાતક બની છે. કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 6021 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 55 લોકોનાં મૃત્યુ થયા છે. આજે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે.
રાજ્યમાં આજે 2854 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,17,981 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 30,000 પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 30680 પર પહોંચ્યો છે. જેમાંથી 216 લોકો વેન્ટિલેટર પર અને 30464 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 89.95 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે.