Vadodara Crime News:  વડોદરાના અટલાદરા સ્વામિ નારાયણ મંદિર નજીક આવેલા માધવ નગરમાં બિલ્ડિંગની છત પરથી બે પિતરાઇ બહેનો નીચે પડતા તેઓના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત થયા હતા. પોલીસની  પ્રાથમિક તપાસમાં બંને બહેનોએ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ, પોલીસે મોતના કારણ  અંગે  વધુ તપાસ  હાથ ધરી છે.  પોલીસે એફ. એસ. એલ.ની પણ મદદ લીધી છે.


શહેરના અટલાદરા માધવનગરમાં રહેતા રાઠોડ અને સોલંકી  પરિવારની બે બાળકીઓ શીલા અને પુષ્પા મામા -  ફોઇની દીકરીઓ થાય છે. શનિવારે બપોરે ઘરેથી તેઓ કુદરતી હાજતે જવા માટે પાણીની બોટલ લઇને નીકળી હતી. ત્યારબાદ બી ટાવરની છત પરથી બંને બહેનો જમીન પર પટકાતા ગંભીર ઇજા થઇ  હતી. બે બહેનોના પડવાનો અવાજ આવતા નજીકમાં બાકડા પર બેઠેલા લોકો તરત દોડી આવ્યા હતા. અને એમ્બ્યુલન્સને કોલ કરીને બોલાવી હતી. પરંતુ, એમ્બ્યુલન્સના એટન્ડન્ટે ચેક કરીને બંને બહેનોના મોત થયા હોવાનું જણાવ્યું હતું. પોલીસે આજુબાજુના લોકોની પૂછપરછ કરી તપાસ હાથ ધરી હતી. માંજલપુર  પી.આઇ. ડી.બી.વાળાએ જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન મળેલા સાંયોગિક  પુરાવાના આધારે  હાલમાં તો આ ઘટના સ્યુસાઇડની જ હોવાનું જણાઇ આવે છે. વધુ તપાસ માટે એફ.એસ.એલ.ની મદદ લેવાઇ છે. બાળકીઓ પાસે મોબાઇલ ફોન નહતો. અને આપઘાત કયા કારણોસર કર્યો ? તે હજી પરિવારની પૂછપરછ પછી ખબર પડશે.




વડોદરા,આઠ માળની બિલ્ડિંગમાં રહેતો પરિવાર અટલાદરા નારાયણ વાડી પાસે કાચના ઝુમ્મર સહિતની વસ્તુઓનું વેચાણ કરે છે. આજે બપોરે માતા - પિતા ન્યાયમંદિર પાસે હીંચકા લેવા માટે ગયા હતા. અને ઘરે બે  પિતરાઇ બહેનો એકલી હતી. બિલ્ડિંગની છત પરથી નીચે પટકાતા તેઓના મોત થયા હતા. નજીકમાં એક નાસ્તાની લારીવાળાએ તેઓના ઘરે જઇ ભાઇને જાણ કરી હતી. ભાઇએ સિટિમાં ખરીદી કરવા ગયેલા માતા - પિતાને જાણ કરી હતી. તેઓ પણ ઘટના સ્થળે તરત દોડી આવ્યા હતા. માસૂમ દીકરીઓના મોતના પગલે પરિવારમાં ભારે આક્રંદ વ્યાપી ગયું હતું.


વડોદરા,બંને બાળકીઓએ ટેરેસ પર જઇને ચપ્પલ કાઢી બેઠેલી હાલતમાં જ નીચે પડતું મૂક્યું હતું. જેના કારણે તેઓના મોત અંગે શંકા ઉપજી છે. બંને બાળકીઓને કોઇએ પાછળથી ધક્કો માર્યો છે કે કેમ ? તે દિશામાં  પણ  પોલીસ તપાસ કરી રહી છે. બાળકીઓ પાસે કોઇ મોબાઇલ ફોન પણ નહતો. જેથી,કોઇ ગેમ રમતા રમતા બંનેએ ઝંપલાવ્યું હોવાની શક્યતા  પણ નથી. આટલી નાની ઉંમરમાં બાળકીઓના આપઘાતની ઘટનાએ રહસ્ય સર્જ્યુ છે.