Vadodara : વડોદરાના કરજણમાં મારુતિ વાન કારની ચોરીની ઘટના સામે આવી છે, પણ મહત્વની વાત એ છે કે આ ચોરીની ઘટના પોલીસ ચોકીની પાસે જ બની હતી. કરજણમાં નેશનલ હાઇવે નં.48 ની બાજુમાં આવેલ ધાવત ચોકડી જુનાબજાર વિસ્તાર માંથી મારૂતિ સુઝુકી વાનની ચોરી થઇ હતી.
આ કાર કરજણ જુનાબજાર ધાવત ચોકડી પાસે ભક્તિ ટ્રેડર્સની સામે પાર્ક કરી હતી. કાર પાર્ક કરેલી હતી ત્યાંથી 100 મીટરના અંતરે જ ધાવત ચોકડી પોલીસ ચોકી આવેલી છે. આમ છતાં ચોર પોલીસનો ડર રાખ્યા વગર કારની ઉઠાંતરી કરી ગયો છે. આ કારની ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. નજીકના પેટ્રોલ પમ્પના સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઇ છે. કારના માલિકે કરજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તાપસ હાથ ધરી છે. જુઓ ચોરીની ઘટનાનો સીસીટીવી વિડીયો -
વડોદરામાં શ્વાનનો આતંક
વડોદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમતા વિસ્તારના વૈકુંઠ ફ્લેટમાં રહેતા આશિષ ટેલરની 5 મહિનાની દીકરી પર કૂતરાએ હુમલો કર્યો હતો. ઘોડિયામાં સુઈ રહેલી બાળકીને કૂતરાએ બચકા ભરતાં લોહીલુહાણ થઈ ગઈ હતી. બાળકીના માતા ઘર ખુલ્લું મૂકી પાણી ભરવા જતા રખડતું કૂતરું ઘૂસી ગયું હતું. માતા આવાતા ઘરમાં કૂતરું બાળકના માથે લોહી ચાટતું હતું. જે બાદ માતાએ કૂતરાને હડસેલીને બાળકીને સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં માથાના ભાગે 15 ટાંકા આવ્યા હતા. હાલ બાળકી સુરક્ષિત છે.
સુરતમાં શ્વાનનો આતંક
સુરત શહેરમાં સતત શ્વાનોનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે શહેરના સલાબતપુરા વિસ્તારમાં 10 બાળક સહિત 15 લોકોને શ્વાન કરડી જતા તમામ લોકોને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. બે દિવસ અગાઉ ભટાર વિસ્તારમાં પણ પણ શ્વાને છ થી સાત લોકોને શિકાર બનાવ્યો હોવાની ઘટના સામે આવી હતી જેમાં સીસીટીવી પણ સામે આવ્યા હતા.
સુરત શહેરના માન દરવાજા વિસ્તારમાં આવેલા ખવાજાનગરમાં આજે સવારના સમયે રખડતા સ્વાને 10 નાના બાળકોને અને 5 પુરુષોને મળી કુલ 15 લોકોને કરડી જતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં હતા, જ્યાં હાલ તમામની સારવાર ચાલી રહી છે.