Vadodara : વડોદરામાં તિરંગા વિતરણ કરનાર વિદ્યાર્થી નેતાને પિસ્તોલ જેવું લાઇટર બતાવી ધમકાવનાર કબીરખાનના થેલામાંથી MD ડ્રગ્સ મળી આવ્યું છે. ગઈકાલે 13 ઓગષ્ટે વિદ્યાર્થી નેતા પંકજ જયસવાલ અને અન્ય વિદ્યાર્થીઓ તિરંગા વિતરણ કરતા હતા તે સમયે કબીરખાન નામના  યુવકે તિરંગો નહીં મળતા ઘર્ષણ કર્યું હતું અને  પિસ્તોલ જેવું લાઈટર બતાવી ઝગડો કર્યો હતો. 


આ અંગે યુવકે પિસ્તોલ જેવું હથિયાર બતાવી ધમકી આપી હોવાની અરજી સયાજીગંજ પોલીસ મથકે નોંધાઇ હતી. PCBએ નવાયાર્ડના કબીર ખાનની અટકાયત કરી તેના થેલાની તલાશી લેતા થેલામાંથી MD ડ્રગ્સ મળી આવ્યું હતું. યુવકે પિસ્તોલ નહીં પિસ્તોલ જેવું લાઈટર બતાવ્યાની હકીકત સામે આવી, પરંતુ હથિયાર શોધતા થેલામાંથી ડ્રગ મળી આવ્યું હતું. 


MBA  થયેલો કબીરખાન નામનો યુવક ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને  ડ્રગ્સનો બંધાણી હોવાનું ખુલ્યું છે. પોલીસ કમિશ્નરે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ SOGને તપાસ સોંપી છે. ઘર્ષણ બાદ જતા કબીરખાનના સીસીટીવી આવ્યા સામે છે. SOGની બે ટીમો દ્વારા વિવિધ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. 


વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં 23 વર્ષીય શ્રમિક યુવાનની હત્યા
વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં 23 વર્ષીય શ્રમિક યુવાનની હત્યાની ઘટના બની છે. મળતી માહિતી મુજબ 23 વર્ષીય નિતેશ રાજપૂત નામના યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે. અજાણ્યા શખ્સો હત્યા કરીને ફરાર થઇ ગયા છે. હત્યારાઓએ મૃતક યુવાન પર હથિયારના ઘા ઝીંકતા 23 વર્ષીય નિતેશ રાજપૂત ઢળી પડ્યો હતો. નિતેશને સારવાર અર્થે SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જો કે હોસ્પિટલ પહોંચે એ પહેલા જ તેણે રસ્તામાં દમ તોડી દીધો હતો. 


મળતી માહિતી મુજબ મૃતક નિતેશ રાજપૂત સોમા તળાવ નજીક વિજયનગરમાં રહેતો હતો અને મજૂરીકામ કરતો હતો. હત્યાનું કારણ જાણવા મળેલ નથી. હત્યારાઓને ઝડપી પાડવા વાડી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. 


સાવકા પિતાએ 14 વર્ષની પુત્રી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી
સુરતમાં સાવકા પિતાએ જ પુત્રી પર દુષ્કર્મ આચર્યાની ઘટનાથી પારિવારિક સંબંધો શર્મસાર થયા છે.સુરતના   સલાબતપુરા વિસ્તારમાં 14 વર્ષય કિશોરી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે. સાવકા પિતાએ જ આ 14 વર્ષની પુત્રી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી છે. ઘટનાને પગલે કિશોરીની માતાએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ  નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી છે.