વડોદરાઃ પરણીત યુવતીને મોબાઇલ એપ મારફત મહિને 50 હજાર રૂપિયા કમાવવાની લાલચ ભારે પડી ગઈ છે. યુવકે લાઇવ ડેમો આપવાના બહાને તેના ઘરે જઈને વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેમજ તેના અશ્લીલ ફોટો અને વીડિયો ઉતારી બ્લેકમેલ કરવા લાગ્યો હતો. તેમજ યુવતી પાસેથી 4.22 લાખ રૂપિયા અને સોનાના દાગીના પડાવી લઈ જાનથી મારી નાંખવાની ધમકી આપતાં અંતે યુવતીએ યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદને આધારે આરોપી યુવકની ધરપકડ કરી છે.


આ અંગે મળતી વિગતો પ્રમાણે, શહેરના માંજલપુરમાં રહેતી પરણીત યુવતી ફેસબૂક પર એક યુવકના સંપર્કમાં આવી હતી. યુવકે યુવતીને ઓછા સમયમાં વધુ રૂપિયા કમાવાની લાલચ આપીને લાઇવ બીગો સ્ટ્રીમ નામની મોબાઇલ એપ ડાઉન લોડ કરાવી હતી. તેમજ ગ્રાહકો સાથે અશ્લીલ વાતો કરવાના 50 હજાર રૂપિયા ચૂકવ્યા હતા.

યુવતી યુવકની જાળમાં ફસાઇ જતાં યુવકે વધારે રૂપિયા કમાવા હોય તો ગ્રાહકો સાથે નગ્ન થઈને વીડિયો કોલ મારફતો વાતો કરવી પડશે, તેમ જણાવ્યું હતું. શરૂઆતમાં તો આ માટે યુવતીએ ઇનકાર કર્યો હતો. જોકે, યુવકે યુવતીનો ચહેરો અને નામ ગુપ્ત રાખવાની બાંહેધરી આપતાં અન્ય એક એપ ડાઉનલોડ કરી ગ્રાહકો સાથે નગ્નાવસ્થામાં વાત કરાવી હતી.

આ પછી ચાર લાખ રૂપિયા કમાવાની લાલચ આપી હતી અને એના માટે લાઇવ ડેમો આપવાની વાત કરી હતી. યુવતી યુવકની લાલચમાં આવી જતાં યુવકે તેના ઘરે જઈ પાંચથી છ વાર શારીરિક સંબંધ બાંધ્યા હતા અને આ અંગતપળોના ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. તેમજ આ પછી યુવકો પોત પ્રકાશ્યું હતું અને રૂપિયા અને કિંમતી સોનાના દાગીના પડાવી લીધા હતા. યુવક યુવતીને ક્લિપ વાયરલ કરાવી ગ્રાહકો સાથે નગ્નાવસ્થામાં વીડિયો કોલથી અશ્લીલ વાતો પણ કરાવતો હતો. અંતે કંટાળેલી યુવતીએ યુવક સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે અમદાવાદ જિલ્લાના યુવકની ધરપકડ કરી છે.