વડોદરાઃ સાવલીમાં વિધવા મહિલા પર 32 વર્ષીય યુવકે રાત્રીના સમયે ઘરમાં ઘૂસીને બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. બળાત્કારથી સમસમી ગયેલી વિધવાએ 181 મહિલા હેલ્પલાઇનની મદદ માંગી હતી. અભયમની ટીમે વિધવાને સાંત્વના આપી સાવલી પોલીસ સ્ટેશનમાં હવસખોર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 


આ અંગે સ્થાનિક અખબારે સૂત્રોના હવાલેથી કરેલા દાવા પ્રમાણે, 55 વર્ષીય મહિલાના પતિનું 5 વર્ષ પહેલા નિધન થયું છે. તેમજ મહિલાને બે પુત્રો પણ છે, જે અન્ય સ્થળે ફેક્ટરીમાં કામ કરી ગુજરાન ચલાવે છે. જ્યારે મહિલા મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. 


ગત ગુરુવારે ગામમાં લગ્ન પ્રસંગ હતો, જેમાં વિધવા કામ કરવા ગઈ હતી. અહીંથી તે રાતે પરત આવી ઘરમાં સૂતી હતી. આ સમયે 32 વર્ષીય યુવક ઘરમાં ઘૂસી આવ્યો હતો તેમજ વિધવાને મોઢે ડૂચો મારી બળાત્કાર ગુજાર્યો હતો. 


આ ઘટનાથી મહિલા ડઘાઈ ગઈ હતી અને તેણે આ અંગે પોતાની બહેનને વાત કરી હતી. આ પછી બંને મહિલા હેલ્પલાઇનમાં ફોન કરતાં અભયમની ટીમ આવી પહોંચી હતી અને મહિલાની આપવીતી સાંભળ્યા પછી ટીમના સભ્યોએ તેમને સાંત્વના આપી હતી તેમજ પોલીસ ફરિયાદ કરવા હિંમત આપતા વિધવાએ બળાત્કારી સામે ફરિયાદ નોંધાવી હતી. સાવલી પોલીસ આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.