વડોદરાઃ હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામીનો આક્ષરવાસ થયો છે. આવતી કાલે તેમની અંતિમવિધિ કરવામાં આવનાર છે, ત્યારે હવે સોખડા હરિધામ મંદિરના નવા ગાદીપતિ કોણ બનશે તેને લઈ અનેક ચર્ચા થઈ રહી છે. સૌથી વડીલ સંત પ્રેમસ્વરૂપ દાસ સ્વામીનું નામ અગ્રેસર છે. ત્યાગ વલ્લભ સ્વામીનું નામ પણ ચર્ચામાં છે. હરિપ્રસાદ સ્વામીજી ઉત્તરાધિકારીનું નામ સૂચવીને ગયા હોવાની માહિતી છે.
ત્યાગ વલ્લભ સ્વામીએ નિવેદન આપ્યું હતું કે, મંદિરના સંતો બેસી નવા ગાદીપતિ વિશે નિર્ણય લઈશું. અત્યારે કોઈનું પણ નામ ગાદીપતિ માટે ચર્ચામાં નથી. હું એક નાનો સેવક છું, સંતોની બેઠકમાં નવા ગાદીપતિનું નામ નક્કી થશે, તેમ ત્યાગ વલ્લભ સ્વામીએ જણાવ્યું હતું.
વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સ્વામીનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી સોમવારે મોડી રાતે 11 વાગ્યે અક્ષરનિવાસી થયા છે. 88 વર્ષની ઉંમરે હરિપ્રસાદ સ્વામીજીની ઘણા સમયથી નાદુરસ્ત તબિયતને લીધે તેમનું રૂટીન ચેકઅપ કરવામાં આવતુ હતુ. ત્યારે સોમવારે સાંજે સ્વામીજીને વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં મોડી રાત્રે તેમની તબિયત લથડા તબીબોએ સારવાર શરૂ કરી હતી. જો કે મોડી રાત્રે 11 વાગ્યે સ્વામીજીએ નશ્વર દેહ છોડ્યો હતો.
સ્વામીજીના નિધનથી હરિભક્તોમાં શોક વ્યાપી ગયો હતો. વડોદરા ઉપરાંત દેશ વિદેશમાં રહેતા તેમના ભક્તોમાં શોકનો માહોલ છે. યોગી ડિવાઈન સોસાયટીના સાધુ પ્રેમસ્વરૂપદાસ, સાધુ સંતવલ્લભદાસ, સાધુ ત્યાગ વલ્લભદાસ, વિઠ્ઠલદાસ પટેલ અને સેક્રેટરી અશોકભાઈએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે યોગી ડિવાઈન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મિય સમાજના પ્રાણધાર પ્રગટ ગુરૂ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ આ પૃથ્વીની તેમની દિવ્ય યાત્રા પૂર્ણ કરીને આજે 26 જુલાઈએ રાત્રે 11 કલાકે સ્વતંત્ર થતા અક્ષરધામમાં બિરાજી ગયા છે.
સ્વર્ગસ્થ હરિપ્રસાદ સ્વામીજીનો જન્મ 1934માં થયો હતો. તેઓ BAPS સંપ્રદાયના સંત પ્રમુખ સ્વામી મહારાજના ગુરૂભાઈ હતા. 23 મેના રોજ હરિપ્રસાદ સ્વામીજીનો 88મો પ્રાગટ્ય દિવસ ભક્તોએ ઉજવ્યો હતો. હરિપ્રસાદ સ્વામીજી વડોદરા શહેર, જિલ્લા ઉપરાંત દેશ-વિદેશામં પણ બહોળી સંખ્યામાં અનુયાયીઓ ધરાવતા હતા.