World Wildlife Population: વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડનો લિવિંગ પ્લેનેટ રિપોર્ટ જાહેર કરાયો છે. આ રિપોર્ટ અનુસાર, 1970 પછી વિશ્વની બે તૃતીયાંશથી વધુ વન્યજીવ વસ્તીમાં ઘટાડો થયો છે. 1970 અને 2018ની વચ્ચે વિશ્વવ્યાપી વન્યજીવોની વસ્તીમાં 69 ટકાનો ઘટાડો થયો છે. તેનું મુખ્ય કારણ વૃક્ષો કાપવા અને પ્રદૂષણ હોવાનું જણાવાયું હતું.






ઝૂઓલોજિકલ સોસાયટી ઑફ લંડન (ZSL)ના સંરક્ષણ અને નીતિના ડિરેક્ટર એન્ડ્ર્યુ ટેરીએ જણાવ્યું હતું કે આ એક ગંભીર મુદ્દો છે. આ દર્શાવે છે કે કુદરતી વિશ્વ ખાલી થઈ રહ્યું છે. અહેવાલમાં 5,000 થી વધુ પ્રજાતિઓને આવરી લેતી 32,000 વન્યજીવ વસ્તીની સ્થિતિ પર ઝૂઓલોજિકલ સોસાયટી ઓફ લંડનના 2018ના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.


વસ્તી ઘટવાના મુખ્ય કારણો


આ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે જંગલોમાં વૃક્ષો કાપવા, માનવ શોષણ, પ્રદૂષણ અને ક્લાઇમેન્ટ ચેન્જ આ પાછળના સૌથી મોટા કારણો છે. લેટિન અમેરિકા અને કેરેબિયનમાં 94 ટકા સાથે પાંચ દાયકામાં વન્યજીવનની વસ્તીમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. જ્યારે 1994 અને 2016 વચ્ચે બ્રાઝિલિયન એમેઝોનમાં પિંક રિવર ડોલ્ફિનની વસ્તીમાં 65 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.


શિકારને કારણે વસ્તીમાં ઘટાડો થયો


એન્ડ્રુ ટેરીએ ધ્યાન દોર્યું હતું કે તેમના તારણો વ્યાપકપણે 2020 માં વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડના અંતિમ મૂલ્યાંકન જેવા જ હતા, જેમાં વન્યજીવનની વસ્તીનું કદ દર વર્ષે લગભગ 2.5 ટકાના દરે ઘટી રહ્યું છે. તેમણે કહ્યું કે પ્રકૃતિ ગંભીર મુશ્કેલીમાં છે. 1994 અને 2019 વચ્ચે શિકારને કારણે કોંગોમાં કહુઝી-બેગા નેશનલ પાર્કની વસ્તીમાં 80 ટકાનો ઘટાડો થયો છે.


જંગલો અને પ્રાણીઓને બચાવવાનો પ્રયાસ


ડિસેમ્બરમાં વિશ્વભરના પ્રતિનિધિઓ મોન્ટ્રીયલમાં વિશ્વના જંગલો અને પ્રાણીઓના રક્ષણ માટે નવી વૈશ્વિક વ્યૂહરચના ઘડશે. વૈશ્વિક સંરક્ષણ પ્રયાસો માટે ભંડોળમાં વધારો કરવાની સંભાવના એ સૌથી મોટી માંગ છે. આફ્રિકા માટે વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડના પ્રાદેશિક નિર્દેશક એલિસ રુહવેજાએ જણાવ્યું હતું કે તે સમૃદ્ધ દેશોને તેમની પ્રકૃતિના રક્ષણ માટે નાણાકીય સહાય પૂરી પાડવા વિનંતી કરે છે.