નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક આજકાલ દરેક દેશમાં જબરદસ્ત લોકપ્રિય છે, અને દિવસે દિવસે તેના યૂઝર્સ અને વપરાશમાં જબરદસ્ત વધારો થઇ રહ્યો છે. સામાન્ય રીતે ફેસબુક લોકોને સગવડ અને સેફ્ટી પુરી પાડવા માટે એક ખાસ પ્લેટફોર્મ છે, પરંતુ અમેરિકામાં આનો એક વર્ગ ખરાબ રીતે ઉપયોગ કરી રહ્યો છે. હ્યૂમન ટ્રાફિકિંગના રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે અમેરિકાના કેટલાક લોકો ફેસબુકનો ઉપયોગ માનવ તસ્કરીની સાથે સાથે સેક્સ તસ્કરી એટલે કે યૌન ટ્રાફિકિંગ માટે કરી રહ્યાં છે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ ફેસબુક સામે સવાલો પણ ઉઠી રહ્યાં છે. આ ખાસ રિપોર્ટ હ્યૂમન ટ્રાફિકિંગ ઇન્સ્ટીટ્યૂટ તરફથી બહાર પાડવામાં આવ્યો છે. 


હ્યૂમન ટ્રાફિકિંગ ઇન્સ્ટીટ્યૂટના રિપોર્ટનો હવાલો આપીને ટાંકવામાં આવી રહ્યુ છે કે, અમેરિકામાં બાળકો, મહિલાઓ અને યુવાઓને કેટલાક લોકો ફેસબુકના માધ્યમથી પોતાની તરફ ખેંચીને યૌન - સેક્સ ટ્રાફિકિંગનો શિકાર બનાવી રહ્યાં છે, કેટલાય લોકોની સેક્સ વર્કર તરીકે ભરતી કરી રહ્યાં છે. રિપોર્ટ પ્રમાણે, ગયા વર્ષે અમેરિકામાં સેક્સ વર્કર તરીકે ભરતી કરાયેલા નવા કેસોમાં લગભગ 59 ટકા પીડિત ફેસબુકના માધ્યમથી આમા ફંસાયા છે, એટલે કે 59 ટકા પીડિતોને ફેસબુક દ્વારા સેક્સ ટ્રાફિકિંગમાં ખેંચવામા આવ્યા છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે લગભગ અમેરિકા સેક્સનાં ધંધામાં 41 ટકા લોકોની ભરતી ઓનલાઇન થઇ છે.  


હ્યૂમન ટ્રાફિકિંગ ઇન્સ્ટીટ્યૂટના સીઇઓ વિક્ટર બુટ્રોસે સીબીસી ન્યૂઝને આ અંગે બતાવ્યુ કે, - હાલના સમયમાં ફેસબુક એક મોટુ અને ખાસ માધ્યમ બની ગયુ છે, જેના દ્વારા યૌન તસ્કરો પીડિતોની ઓનલાઇન ભરતી કરી રહ્યાં છે, અને સેક્સના ધંધામાં ધકેલી રહ્યાં છે. મોટાભાગના યૌન તસ્કરો યુવાઓ, મહિલાઓ અને બાળકોની સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ્સ ભરતી કરી રહ્યાં છે, આમાં ફેસબુક આ મામલે મોકાનુ પ્લેટફોર્મ છે.  


વર્ષ 2020ની સંઘીય માનવ તસ્કરી રિપોર્ટ બતાવે છે કે, સંઘીય ગુનાખોરી અને નાગરિક માનવ તસ્કરીના કેસો ઝડપથી વધી રહ્યાં છે. રિપોર્ટ પ્રમાણે ગયા વર્ષે 579 એક્ટિવ ટ્રાફિકિંગ કેસ અને 200 સિવિલ સૂટ હતા. આમાં ક્રિમિનલ કેસોમાં 1499 પીડિતો અને 1007 પ્રતિવાદીઓ હતા, ખાસ વાત છે કે આમાં લગભગ 94 ટકા કેસો યૌન તસ્કરીના હતા જ્યારે ફક્ત 6 ટકા કેસો જ જબરદસ્તીથી આ ધંધામાં લાવવાના હતા. રિપોર્ટ બતાવે છે કે, અમેરિકામાં ફેસબુક સોશ્યલી કામ કરતા ગુનાખોરીના કામ માટે વધુ લોકો યૂઝ કરી રહ્યાં છે. રિપોર્ટ પ્રમાણે, આમાં ખાસ કરીને મહિલાઓ અને છોકરીઓને વધુ ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં હતા. જેમાં 98 ટકા કેસોમાં પીડિતો મહિલાઓ છે, મોટાભાગની મહિલાઓ અમેરિકન હતી, અને આ તમામ કોઇને કોઇ કમજોરીના કારણે આ ધંધામાં જોડાઇ હતી. મોટાભાગની મહિલાઓ નશો, માદક દ્રવ્યોનુ સેવન કે પછી ઘરેથી ભાગીને આવેલી હતી. જોકે, આ તમામ પીડિતો ફેસબુકના માધ્યમથી આમાં જોડાયેલી હતી.