મનામાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત આરબ અમીરાતનો પ્રવાસ ખત્મ કર્યા બાદ બહેરીન પહોંચ્યા છે જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. ભવ્ય સ્વાગતને લઇને વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મને એવું લાગ્યું કે હું ભારતના કોઇ ભાગમાં છું. વડાપ્રધાને અહી ભારતીયોને સંબોધિત કરતા પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. મોદીએ કહ્યું કે, આજે મારી અંદર એક દુખ છૂપાવીને બેઠો છું, હું આટલો દૂર છું અને મારો મિત્ર અરુણ ચાલ્યો ગયો. થોડા સમય અગાઉ મારી બહેન સુષ્મા સ્વરાજ ચાલી ગઇ હતી આજે સાથે ચાલનારો મિત્ર ચાલ્યો ગયો.


તેમણે કહ્યુ કે, ભારતના વડાપ્રધાનને બહેરીન પહોંચવામાં ખૂબ મોડું થઇ ગયું. BHIM એપ અને UPI અને જનધન ખાતા જેવી સુવિધાઓએ ભારતીય બેન્કિગને સરળ કરી દીધી છે. ભારતનું ડિઝિટલ લેવડદેવડ આખી દુનિયામાં ચર્ચામાં છે. રૂપે કાર્ડ દુનિયાભરની બેન્કો અને સેલર્સ સ્વીકાર કરી રહ્યા છે. વડાપ્રધાને કહ્યું કે, તમામ રેન્કિંગમાં ભારત આગળ વધી રહ્યું છે. ભારતના સ્પેસ કાર્યક્રમની દુનિયામાં ચર્ચા થઇ રહી છે. ભારતના ચંદ્રયાન મિશનથી દુનિયા આશ્વર્યમાં છે. ચંદ્રયાન સાત સપ્ટેમ્બરના રોજ ચંદ્રની ધરતી પર ઉતરશે.


વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે જન્માષ્ટમીનો પવિત્ર પર્વ છે. મને કહેવામાં આવ્યું છે કે ગલ્ફ ક્ષેત્રમાં જન્માષ્ટમી પર કૃષ્ણ કથા સાંભળવવાની પરંપરા આજે પણ છે. આવતીકાલે હું શ્રીનાથજીના મંદિર જઇને તમારા માટે, તમારા મહેમાન દેશની સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરીશ. આજે તમામ ભારતીયોને એ વિશ્વાસ થયો છે કે ભારતના પુરા થઇ શકે છે. આશાઓ અને આકાંક્ષાઓ પુરી થઇ શકે છે.


આ અગાઉ વડાપ્રધાને બહેરીનના શાહ હમદ બિન ઇસા અલ ખલીફા સાથે વિવિધ દ્ધિપક્ષીય અને ક્ષેત્રીય મુદ્દા પર ચર્ચા કરી હતી. એરપોર્ટ પર બહેરીનના વડાપ્રધાન શહઝાદે ખલીફા બિન સલમાન અલ ખલીફાએ મોદીનું સ્વાગત કર્યું હતું.