Earthquake in Afghanistan: અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ છે. મોડી રાત્રે આવેલા ભૂકંપમાં લગભગ 950 લોકોના મોત અને 610 લોકો ઘાયલ થયા હોવાના રિપોર્ટ છે. આ દાવો ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના નાયબ મંત્રી મૌલવી શરફુદ્દીને કર્યો છે. અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે 255 લોકો માર્યા ગયા છે.
ભૂકંપના આ આંચકા પાકિસ્તાનમાં પણ અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના દક્ષિણપૂર્વમાં હતું. સમાચાર એજન્સીઓ અનુસાર, ભૂકંપના કારણે અફઘાનિસ્તાનમાં અત્યાર સુધીમાં 950 લોકોના મોત થયા છે. જ્યારે લગભગ 610 લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપ પક્તિકા અને ખોસ્ત પ્રાંતમાં આવ્યો હતો.
ભૂકંપની મહત્તમ તીવ્રતા હજુ સુધી નક્કી કરવામાં આવી નથી. જોકે, રિક્ટર સ્કેલ પર 7.0 કે તેથી વધુની તીવ્રતા ધરાવતો ભૂકંપ સાધારણ ખતરનાક માનવામાં આવે છે. અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા આના કરતા ઓછી હતી. ભૂકંપ દક્ષિણ-પૂર્વીય શહેર ખોસ્ટથી લગભગ 44 કિલોમીટર (27 માઇલ) દૂર આવ્યો હતો. રોયટર્સે યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરને ટાંકીને જણાવ્યું હતું કે આંચકા પાકિસ્તાન અને ભારતમાં 500 કિલોમીટર દૂર સુધી અનુભવાયા હતા.
પાકિસ્તાનના અનેક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા
પાકિસ્તાની મીડિયા અનુસાર, ભૂકંપના આંચકા ઈસ્લામાબાદ સહિત અન્ય શહેરોમાં પણ અનુભવાયા હતા. ભૂકંપના કારણે લોકો ડરના માર્યા પોતાના ઘરમાંથી બહાર નીકળી ગયા હતા. આ પહેલા શુક્રવારે પણ પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો.