Airstrikes in Yemen: યમનના હુતી બળવાખોરોએ બુધવારે (24 જાન્યુઆરી) અમેરિકા અને બ્રિટનના નાગરિકોને ચેતવણી આપી હતી. હુતી જૂથે કહ્યું કે, યુએસ અને બ્રિટનના લોકોએ 30 દિવસની અંદર દેશ છોડી દે. રશિયા અને યુક્રેન ઉપરાંત ઈઝરાયેલ અને હમાસનો સંઘર્ષ હજી ચાલુ જ છે ત્યારે યમનમાં નવો સંઘર્ષ ઊભો થયો છે. હુતી વિદ્રોહીઓ લાલ સમુદ્રમાંથી પસાર થતા જહાજો પર હુમલો કરી રહ્યા છે.  હિન્દુસ્તાન ટાઈમ્સે હુતીને ટાંકીને કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં કામ કરતા અમેરિકા અને બ્રિટનના નાગરિકોને 30 દિવસની અંદર દેશ છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે. હકીકતમાં, અમેરિકન અને બ્રિટિશ દળોએ તાજેતરમાં યમનમાં હુતી બળવાખોરોના સ્થાનો પર હુમલો કર્યો હતો. આ ચેતવણી લાલ સમુદ્રમાં તૈનાત અમેરિકન અને બ્રિટિશ દળો અને હુતીઓ વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે આવી છે. લાલ સમુદ્રમાં જહાજો પર થયેલા તાજેતરના હુમલા માટે અમેરિકાએ યમનના હુથીઓને સીધો જ જવાબદાર ઠેરવ્યા છે. આ હુમલાનો સમગ્ર વિશ્વમાં વિરોધ થઈ રહ્યો છે. 


અમેરિકન અને બ્રિટિશ દળોએ હુમલો કર્યો
સમાચાર એજન્સી એપીના અહેવાલ મુજબ, યુએસ અને બ્રિટિશ દળોએ સોમવારે (22 જાન્યુઆરી) રાત્રે યમનમાં હુતી વિદ્રોહીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા ઘણા ઠેકામા પર બોમ્બમારો કર્યો હતો. અમેરિકન અને બ્રિટિશ દળોએ રાજધાની અને યમનના અન્ય પ્રાંતોમાં હુતી શિબિરો પર હુમલો કર્યો. હુમલામાં પૂર્વ સનામાં અલ-હફા કેમ્પ અને ઉત્તરમાં અલ-દાયલામી એરપોર્ટને નિશાન બનાવવામાં આવ્યું હતું.


સતત હવાઈ હુમલા ચાલુ છે
લાલ સમુદ્રમાં યુએસ-યુકે મેરીટાઇમ ગઠબંધને યમનના વિવિધ ઉત્તરીય પ્રાંતોમાં હુથી શિબિરો પર અનેક હવાઈ હુમલાઓ કર્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ ક્રિયાઓનો હેતુ લાલ સમુદ્રના શિપિંગ લેનમાં વ્યાપારી જહાજો પર હુતીના હુમલાને રોકવાનો છે.


આ પગલાથી ઉત્તરી યમનમાં ખોરાક અને દવાઓના પુરવઠાને અસર થશે નહીં


હુતી જૂથે લાલ સમુદ્રમાં ઇઝરાયેલ સાથે જોડાયેલા જહાજોને નિશાન બનાવવાનું ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી જ્યાં સુધી ઇઝરાયેલ તેના હુમલાઓ અને ગાઝા પટ્ટીની નાકાબંધી સમાપ્ત ન કરે. યુએસએ ગયા અઠવાડિયે હુતી જૂથને આતંકવાદી સંગઠન તરીકે ફરીથી નિયુક્ત કર્યું હતું અને કહ્યું હતું કે આ પગલાથી ઉત્તરી યમનમાં ખોરાક અને દવાઓના પુરવઠાને અસર થશે નહીં.