US Strike Yemen: યુએસ એરફોર્સે યમનમાં ઈરાન સમર્થિત હુથી ઉગ્રવાદીઓ સામે મોટો હુમલો કર્યો છે, જેમાં તેમના શસ્ત્રોના સંગ્રહની સુવિધાઓને નિશાન બનાવવામાં આવી છે. આ હુમલો યમનમાં ગુરુવાર (17 ઓક્ટોબર)ની વહેલી સવારે સ્થાનિક સમય અનુસાર કરવામાં આવ્યો હતો. વાયુસેનાએ હુમલામાં બી-2 સ્પિરિટ બૉમ્બરનો ઉપયોગ કર્યો છે, જેને પ્રથમ વખત યમનમાં તૈનાત કરવામાં આવ્યા છે.
બી-2 સ્પિરિટને અમેરિકાનું સૌથી ખતરનાક સ્ટેલ્થ બૉમ્બર માનવામાં આવે છે. તેણે હૂતી આતંકવાદીઓના બૉમ્બ અને લશ્કરી શસ્ત્રોના ભંડારને નિશાન બનાવ્યું, જેનો ઉપયોગ હૂતીઓએ લાલ સમુદ્ર અને એડનના અખાતમાં જહાજો પર હુમલો કરવા માટે કર્યો હતો.
CNNના અહેવાલ અનુસાર, આ હુમલો યુએસ સેન્ટ્રલ કમાન્ડ દ્વારા એકલા હાથે કરવામાં આવ્યો હતો, જ્યારે આ પહેલા બ્રિટન પણ યમનમાં અમેરિકન ઓપરેશનમાં સામેલ હતું. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે આ વિસ્તારમાં તણાવ વધી ગયો છે, જ્યાં ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ સમય દરમિયાન ઇઝરાયેલ લેબનાનમાં હિઝબુલ્લાહના ઠેકાણાંઓ પર સતત હુમલા કરી રહ્યું છે.
વળી, યુએસ એરફોર્સ દ્વારા ગુરુવારે હૂતીઓના ઠેઠાણાંઓ પર કરવામાં આવેલા હુમલાઓ સાથે સંબંધિત વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે @donco970 નામના X પેજ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે.
બી-2 સ્પિરીટ બૉમ્બરની ખાસિયત -
B-2 સ્પિરિટ બૉમ્બરની વિશેષતા તેની સ્ટીલ્થ ટેક્નોલોજી અને મોટી માત્રામાં બૉમ્બ છોડવાની ક્ષમતા છે. આ બૉમ્બર પરમાણુ અને પરંપરાગત બંને હથિયારો લઈ જઈ શકે છે. તે એક જ વારમાં 9600 કિલોમીટર સુધીની સફર પૂર્ણ કરી શકે છે. જેના કારણે તે દુનિયામાં ગમે ત્યાં પહોંચી શકે છે. B-2 સ્પિરિટ બૉમ્બરમાં કુલ ચાર એન્જિન છે, જે 18,000 કિલોગ્રામ સુધીના પેલોડને વહન કરવાની ક્ષમતા ધરાવે છે. બે પાઇલોટ્સ તેને એકસાથે ઉડાવે છે.
આ પણ વાંચો
ભારત શા માટે તેના મિત્ર ઇઝરાયેલ પર ગુસ્સે થયું? 34 દેશો પણ સાથે આવ્યા