નવી દિલ્હીઃ મોંઘવારીનો મારનો સામનો કરી રહેલ પાકિસ્તાનમાં માત્ર ખાવા પીવાની જ નહીં પણ જીવન જરૂરી વસ્તુઓની કિંમત પણ આસમાને પહોંચી ગઈ છે. પેટ્રોલ ડીઝલની સાથે સાથે દૂધની કિંમત પણ સામાન્ય વ્યક્તિની પહોંચથી બહાર થઈ ગઈ છે. પાકિસ્તાનમાં પેટ્રોલ ડીઝલ કરતાં દૂધ મોંઘું વેચાઈ રહ્યું છે.


પાક મીડિયાના અહેવાલ અનુસાર પાકિસ્તાનમાં દૂધની સરખામણીએ પેટ્રોલ અને ડીઝલ સસ્તા છે. અહીં હાલ પેટ્રોલ 113 રૂપિયે તો ડીઝલ 91 રૂપિયે લીટર મળી રહ્યું છે. જ્યારે ગઈ કાલે મોહરમ હોવાના કારણે પાકિસ્તાનમાં દૂધની માંગ વધી જવા પામી હતી. જેના કારણે કેટલીક જગ્યાએ દૂધ 120થી 140 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું હતું. મોહર્રમના જુલૂસમાં શામેલ થનારા લોકોને ઠેર ઠેર સ્ટોલ પર દૂધનો શરબત, ખીર વગેરે બનાવીને લોકોમાં વહેંચવામાં આવે છે.

જોકે કરાંચીમાં દૂધની સત્તાવાર કિંમત 94 રૂપિયે લીટર છે. સ્થાનિય લોકોનો આરોપ છે કે, કરાંચીના કમિશ્નર ઈફ્તિખાર શાલવાનીએ દૂધની કિંમતો પર કંટ્રોલ કરવાની દિશામાં કોઈ જ પગલા ભર્યા નથી.

આ અગાઉ ગત મહિને જ બકરી ઈદના તહેવારે પણ પાકિસ્તાનમાં મોંઘવારીને લઈને ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. હત વર્ષની સરખામણીએ અહીં બકરાના ભાગ લગભગ બમણા થઈ ગયા હતાં. તો આદૂ અને લસણના ભાવ પણ 400 એન 320 રૂપિયા થઈ ગયો હતો. તો મરચાએ સેંચુરી ફટકારી હતી. ડુંગળી 50 રૂપિયે કિલો થઈ હતી.

સરકાર તરફથી જાહેર કરવામાં આંકડા પ્રમાણે, ઓગષ્ટ મહિનામાં પાકિસ્તાનમાં મોંઘવારી 87 મહિનામાં એટલે કે લગભગ 7 વર્ષમાં સૌથી વધારે છે. પાકિસ્તાનમાં મોંઘવારી 11 ટકાને પાર કરી ગઈ છે. હવે તે વધીને 11.6 ટકા છે. સામે પાકિસ્તાનનું ચલણ નબળું પડી રહ્યું છે અને આઈએમએફની શરતો માનવાના કારણે પાકિસ્તાનમાં મોંઘવારી રોકેટ ગતિએ વધી રહી છે. પાકિસ્તાનની સેંટ્રલ બેંકે આવનાર દિવસોમાં હજી પણ મોંઘવારી વધવાની આશંકા વ્યક્ત કરી છે.