Canberra Airport Firing: ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબેરા એરપોર્ટમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ફાયરિંગ બાદ એરપોર્ટ પર અફડાતફડી મચી ગઈ. હાલ એરપોર્ટ ખાલી કરાવાયું છે. એક શખ્સની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.


ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસે કહ્યું, કેનબેરા એરપોર્ટ પર ગોળીબારની ઘટના બાદ લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા છે. એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો અને તેની પાસેથી એક હથિયાર મળી આવ્યું હતું. સીસીટીવીની સમીક્ષા કરવામાં આવી રહી છે. કસ્ટડીમાં રહેલી વ્યક્તિ જ આ ઘટના માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે.




આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. કેનબેરા એરપોર્ટ પરથી ઘટનાની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં બે સુરક્ષાકર્મીઓ જમીન પર પડેલા એક વ્યક્તિને શોધી રહ્યાં છે અને તેને હાથકડી લગાવી રહ્યાં છે. તે જ સમયે, કેટલીક તસવીરોમાં, એરપોર્ટના અરીસા પર ગોળીઓના નિશાન જોવા મળ્યા હતા. કાચ પર એક નહીં પણ ચાર ગોળીઓના નિશાન જોવા મળ્યા. જો કે મળતી માહિતી મુજબ 8 થી 10 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે.


પ્લેનની ઉડાન પણ રોકી દેવામાં આવી હતી


એવું કહેવામાં આવી રહ્યું છે કે તે વ્યક્તિ સુરક્ષા ચેક પોઈન્ટ પર જ હથિયાર સાથે પકડાયો હતો, ત્યારબાદ તેણે હવામાં એક પછી એક ફાયરિંગ કર્યું હતું. ઘટના બાદ એરપોર્ટ પર તમામ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. વિમાનની ઉડાન પણ બંધ કરી દેવામાં આવી છે.




અધિકારીઓ અને સુરક્ષા દળો એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ધરપકડ કરાયેલ વ્યક્તિનો કોઈ સાથી એરપોર્ટ પર છુપાયેલો છે કે નહીં અથવા હાઈજેકની કોઈ શક્યતા છે. સાથે જ ઓસ્ટ્રેલિયાના સમય મુજબ સાંજે 4.30 કલાકે પોલીસ બ્રીફ કરશે.