પાડોશી દેશ શ્રીલંકાના લોકો વધેલી મોંધવારીથી પરેશાન થઈ ચુક્યા છે. લોકો માટે રોજિંદી જરૂરી ચીજવસ્તુઓ ખરીદવી પણ લોકો માટે મુસીબત થઈ પડી છે. હકિકતમાં ચીન સહિત અનેક દેશોના ભારે દેવા હેઠળ દબાયેલું શ્રીલંકા લગભગ નાદાર જાહેર થવાના આરે આવી ગયું છે અને લોકો માટે જીવન નિર્વાહ કરવો મુશ્કેલ બની રહ્યો છે. અહીં સામાન્ય ઉપયોગની વસ્તુઓના ભાવ સાતમા આસમાને પહોંચી ગયા છે.


બ્રેડ અને લોટના ભાવ વધ્યાઃ
દેશની સેન્ટ્રલ બેંકે શ્રીલંકાના રૂપિયા (LKR)ની નવી કિંમત 1 યુએસ ડોલર દીઠ રૂ. 230ની મંજૂરી આપ્યા બાદ શુક્રવારે શ્રીલંકામાં કેટલીક આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો. સિન્હુઆ ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે શુક્રવારે, ઓલ સિલોન બેકરી ઓનર્સ એસોસિએશને બ્રેડ પેકેટની કિંમતમાં 30 LKRનો વધારો કર્યો અને હવે બ્રેડ પેકેટની નવી કિંમત 110 થી 130 શ્રીલંકન રૂપિયાની વચ્ચે છે. દેશની સૌથી મોટી ઘઉંની આયાતકાર પ્રિમાએ એક કિલો ઘઉંના લોટની કિંમતમાં 35 LKRનો વધારો કર્યો છે.


પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 254 રૂપિયાઃ
દેશની બીજી સૌથી મોટી છૂટક ઇંધણ વિતરક કંપની લંકા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને ગુરુવારે મધ્યરાત્રિએ ડીઝલના વેચાણ ભાવમાં 75 LKR પ્રતિ લિટર અને પેટ્રોલના ભાવમાં 50 LKR પ્રતિ લિટરનો વધારો કર્યો છે. થ્રી વ્હીલર અને બસ માલિકોના સંગઠને ઇંધણ સબસિડીની માંગણી કરી છે, એવો દાવો કર્યો છે કે, લંકા ઇન્ડિયા ઓઇલ કોર્પોરેશન દ્વારા ઇંધણના ભાવમાં વધારો થવાથી ભાડામાં ભારે વધારો થશે. ઓલ સિલોન પ્રાઈવેટ બસ ઓનર્સ એસોસિએશનના અધ્યક્ષ અંજના પ્રિયંજીતે ચેતવણી આપી હતી કે ઓછામાં ઓછું બસ ભાડું 30 થી 35 LKRની વચ્ચે રહેશે. આને ધ્યાનમાં રાખીને, તેમણે સરકારને ખાનગી બસ માલિકો માટે ડીઝલ સબસિડી આપવા વિનંતી કરી છે. 


લોકોને પેટ ભરવું પણ મુશ્કેલઃ 
તમને જણાવી દઈએ કે, ચીનના દેવાની જાળમાં ફસાયેલા શ્રીલંકાની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. દેશમાં ખાદ્યપદાર્થોની કટોકટી એટલી વધી ગઈ છે કે, લોકો માટે પેટ ભરવું પણ મુશ્કેલ બની ગયું છે. શ્રીલંકાનું વિદેશી હૂંડિયામણ સતત ઘટી રહ્યું છે અને ફુગાવાની અસરથી જનતાની હાલત દયનીય બનાવી દીધી છે. ચીન સહિત અનેક દેશોના દેવા હેઠળ દબાયેલું શ્રીલંકા હવે નાદારીની આરે પહોંચી ગયું છે. શ્રીલંકાની સેન્ટ્રલ બેંકે સોમવારે દેશની હાલતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શ્રીલંકાના રુપિયા LKRના અવમૂલ્યનને મંજૂરી આપી હતી.


એરલાઇનના ભાવમાં 27 ટકાનો વધારોઃ
શ્રીલંકાની સિવિલ એવિએશન ઓથોરિટીએ જણાવ્યું કે, એરલાઇન ટિકિટના ભાવમાં 27 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. LKR વિશે વાત કરીએ તો, ગુરુવારે અવમૂલ્યન પહેલાં, તેની કિંમતમાં 200 થી 260 રુપિયા પ્રતિ યુએસ ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે.