Britain Boris Johnson Govt Crisis: બ્રિટનમાં બોરીસ જોન્સન સરકાર એક વાર ફરીથી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. બ્રિટનના નાણા મંત્રી ઋષિ સુનક અને સ્વાસ્થ મંત્રી સાજિદ જાવિદના રાજીનામાં બાદ હવે સરકારના અન્ય બે મંત્રીઓએ પણ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. દેશના 4 મંત્રીઓના રાજીનામાં બાદ પીએમ બોરીસ જોન્સન ઉપર એક વાર ફરીથી દબાણ વધી ગયું છે. 


વધુ બે મંત્રીઓના રાજીનામાંઃ
જોન્સન સરકારના મંત્રી ઋષિ સુનક અને સાજિદ જાવિદના રાજીનામા બાદ હવે બાળ અને પરિવાર બાબતોના મંત્રી વિલ ક્વિન્સ (Will Quince) અને જુનિયર પરિવહન મંત્રી લૌરા ટ્રોટે (Laura Trott) પણ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. 


બાળ અને પરિવાર બાબતોના મંત્રી વિલ ક્વિન્સે મંત્રી પદ પરથી રાજીનામું આપતાં જણાવ્યું હતું કે, મારી પાસે રાજીનામું આપ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. તો જુનિયર પરિવહન મંત્રી લૌરા ટ્રોટે રાજીનામું આપતાં કહ્યું કે, "સરકારમાં મને હવે વિશ્વાસ નથી રહ્યો જેથી હું રાજીનામું આપી રહી છું"


ઉલ્લેખનીય છે કે, આ સૌથી પહેલાં બોરીસ જોન્સન સરકારમાંથી નાણા મંત્રી પદેથી રાજીનામું આપનાર ઋષિ સુનકે કહ્યું હતું કે, "ઘણા સાંસદોએ જોન્સનની દેશના હિતમાં શાસન કરવાની ક્ષમતાને લઈ વિશ્વાસ ગુમાવી દીધો છે."


PM બોરીસ જોન્સન આપશે રાજીનામું?
ઉલ્લેખનીય છે કે, બ્રિટનમાં ગયા મહિને સત્તારુઢ કંજર્વેટિવ પાર્ટીના 50થી વધુ સાંસદોએ તેમની સરકારના પીએમ બોરીસ જોન્સન પાસેથી રાજીનામું માંગ્યું હતું. જો કે, બોરીસ જોન્સન વિશ્વાસ મત જીતવામાં સફળ રહ્યા હતા. તેમની સામે કોરોના કાળમાં પાર્ટી કરવાના આરોપ હેઠળ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. ત્યારે હવે ફરીથી 4 મંત્રીઓના રાજીનામાં પડ્યા બાદ બોરીસ જોન્સન સરકાર ખતરામાં આવી ગઈ છે. હવે અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે, પીએમ બોરીસ જોન્સન ઉપર રાજીનામું આપવા માટે દબાણ વધી ગયું છે.