Brooklyn Subway Shooting: અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં બ્રુકલિન સબવે સ્ટેશન પર ગોળીબાર અને વિસ્ફોટમાં ઓછામાં ઓછા 16 લોકો ઘાયલ થયા છે અને 10 લોકોને ગોળી વાગી છે. ઘાયલ થયેલા લોકોમાં 2 લોકોની હાલત ગંભીર છે. ન્યૂયોર્ક પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોર ગેસ માસ્ક પહેરીને આવ્યો હતો. AFP ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર પોલીસને ઘટનાસ્થળેથી અનેક બોમ્બ પણ મળી આવ્યા છે. જો કે, ન્યુયોર્ક પોલીસ વિભાગે જીવતા બોમ્બ મળવાની ઘટનાને નકારી કાઢી છે.
રાષ્ટ્રપતિ બાઈડનને જાણ કરાઈઃ
મોટી સંખ્યામાં લોકો પર થયેલી ઘટનાના અહેવાલો મળ્યા બાદ પોલીસ સનસેટ પાર્કના મેટ્રો સ્ટેશન પર કાર્યવાહી કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટનાની માહિતી રાષ્ટ્રપતિ જો બાઈડનને આપવામાં આવી છે. FDNY એ કહ્યું કે, તેને સનસેટ પાર્કમાં 36મી સ્ટ્રીટ સબવે સ્ટેશનની અંદર સવારે 8:30 વાગ્યે ગોળીબારના અહેવાલો મળ્યા હતા. યુ.એસ.માં, મંગળવારે સવારે ન્યુયોર્કના બ્રુકલિનમાં સબવે સ્ટેશન પર ઘણા લોકો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જ્યારે સ્થળ પરથી વિસ્ફોટકો પણ મળી આવ્યા હતા.
હુમલાખોર આ રીતે સ્ટેશનમાં ઘુસ્યોઃ
મળતા અહેવાલ પ્રમાણે હુમલાખોર ગેસ માસ્ક પહેરીને આ સ્ટેશનમાં ઘુસ્યો હતો. તેણે કન્સ્ટ્રક્શન કંપનીના કપડા પહેર્યા હતા. આ પછી હુમલાખોરે અચાનક બંદૂક કાઢી અને લોકો પર ફાયરિંગ શરુ કરી દીધું હતું. આ પછી હુમલાખોરે બચવા માટે સ્મોક ગ્રેનેડ ફેંક્યો હતો. જેના કારણે સબવે સ્ટેશનમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. હાલમાં, હુમલાખોર વિશે વધુ માહિતી બહાર આવી નથી. આ અંગે એફબીઆઈએ લોકોને કહ્યું છે કે, તેઓ જે પણ માહિતી હોય તે પોલીસને આપે. હાલમાં આ ફાયરિંગમાં 16 લોકો ઘાયલ હોવાની માહિતી મળી છે.