Chandrayaan-3 Landing: રશિયાના ચંદ્ર મિશન લુના-25ની નિષ્ફળતા વચ્ચે હવે સમગ્ર વિશ્વની નજર ભારતના ચંદ્રયાન-3 પર છે. એવી અપેક્ષા છે કે ચંદ્રયાન-3 બુધવારે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે. જો ભારત આમ કરવામાં સફળ થાય છે, તો તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર પ્રથમ દેશ બની જશે.


ભારતે કહ્યું છે કે ચંદ્રયાન યોજના મુજબ આગળ વધી રહ્યું છે અને 23 ઓગસ્ટે સ્થાનિક સમય અનુસાર 18.06 વાગ્યે ચંદ્ર પર ઉતરશે. ભારતીય મીડિયા ચંદ્રયાન-3નું ક્ષણ-ક્ષણ કવરેજ બતાવી રહ્યું છે, જ્યારે વિદેશી મીડિયા પણ ભારતના ચંદ્ર મિશન પર નજર રાખી રહ્યું છે.


ઇતિહાસ રચવા તૈયાર ભારત


અમેરિકાની ન્યૂઝ ચેનલ CNBC સતત ચંદ્રયાન-3નું લાઈવ અપડેટ આપી રહી છે. CNBCએ લખ્યું, 'બુધવાર, 23 ઓગસ્ટના રોજ જો તેનું ત્રીજું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરે તો ભારત ઇતિહાસ રચવા માટે તૈયાર છે.'


CNBCએ લખ્યું છે કે અત્યાર સુધી કોઈ પણ દેશ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરી શક્યો નથી. રશિયાનું લુના-25 આ અઠવાડિયે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનું હતું, પરંતુ 20 ઓગસ્ટ રોજ રશિયન સ્પેસ એજન્સીએ માહિતી આપી કે તેનું ચંદ્ર મિશન ચંદ્રની સપાટી પર ક્રેશ થઈ ગયું છે.


ભારતનો સસ્તો અવકાશ કાર્યક્રમ વૈશ્વિક શક્તિઓને સ્પર્ધા આપે છે


કતારના અલઝઝીરાએ લખ્યું છે કે જો ભારતનું ચંદ્રયાન-3 સફળ રહેશે તો ભારત ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કરનારા દેશોની યાદીમાં સામેલ થઈ જશે. અત્યાર સુધી રશિયા, ચીન અને અમેરિકા ચંદ્ર પર સફળ ઉતરાણ કરવામાં સફળ રહ્યા છે.


કતારની ન્યૂઝ ચેનલે લખ્યું છે કે, 'વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ભારત પાસે તુલનાત્મક રીતે ઓછા બજેટનો એરસ્પેસ પ્રોગ્રામ છે. પરંતુ ભારતનો સ્પેસ પ્રોગ્રામ વિશ્વની મોટી અવકાશ શક્તિઓ દ્વારા કરવામાં આવેલા મોટા સ્પેસ મિશનને ઝડપથી પૂર્ણ કરી રહ્યો છે.


વધુમાં અલઝઝીરાએ કહ્યું કે ભારતે ચાર વર્ષ પહેલા પણ આવો જ પ્રયાસ કર્યો હતો જે નિષ્ફળ ગયો હતો. તે સમયે ચંદ્રયાન-2નો પૃથ્વી સાથેનો સંપર્ક લેન્ડિંગ પહેલા જ તૂટી ગયો હતો. ભારતના ચંદ્ર મિશનનો ખર્ચ 74.6 મિલિયન ડોલર છે, જે અન્ય દેશોની સરખામણીમાં ઘણો ઓછો છે.