China Attack on Philippines: તાજેતરમાં જ ફરી એકવાર ચીનની ખરાબ હરકત સામે આવી છે, આ વખતે ચીની સૈનિકોએ ફિલાપાઇન્સ સાથે ખરાબ વર્તન કર્યુ છે. ચીન અને ફિલિપાઈન્સના સૈનિકો વચ્ચેની અથડામણના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ચીન અને ફિલિપાઈન્સના સૈનિકો વચ્ચે વિવાદિત દક્ષિણ ચીન સાગરમાં આ અથડામણ થઇ હતી, જેમાં ચીનના સૈનિકોએ ફિલિપાઈન્સના હથિયારો પણ છીનવી લીધા હતા અને તેમને ઘણું નુકસાન થયું હતું. ફિલિપાઈન્સના જનરલ રૉમિયો બ્રાઉડરે કહ્યું કે ચીની સૈનિકો તલવારો, ભાલા અને છરી-ચાકુઓ સાથે હતા. ફિલિપાઇન્સના સૈનિકો માત્ર હાથ વડે ચીની સૈનિકો સામે લડ્યા. જનરલે ચીની જહાજો પર ફિલિપાઈન્સની નૌકાઓ પર હુમલો કરવાનો અને તેમની પાસેથી હથિયારો છીનવી લેવાનો આરોપ લગાવ્યો છે.


જનરલે એમ પણ કહ્યું કે જહાજ સાથે અથડાવાને કારણે એક સૈનિકનો અંગૂઠો કપાઈ ગયો હતો, પરંતુ ચીને આ માટે પોતાના સૈનિકોને દોષ આપવાનો ઈન્કાર કર્યો છે. તમને જણાવી દઈએ કે વિવાદિત ટાપુઓ પર બંને દેશોનો પોતાનો દાવો છે, જેના કારણે આ અથડામણ થઈ હતી. ફિલિપાઈન્સ નેવી થૉમસ શોલમાં તૈનાત સૈનિકોને પુરવઠો પહોંચાડી રહી હતી ત્યારે તેના પર ચીની સૈનિકોએ હુમલો કર્યો હતો. આરોપ છે કે ચીની સૈનિકોએ પૂરી તૈયારી સાથે અહીં ફિલિપિનોની બોટ પર હુમલો કર્યો હતો. ચીની સૈનિકોએ ફિલિપાઇન્સના સૈનિકોના હથિયારો જપ્ત કર્યા અને તેમની બોટનો નાશ કર્યો.


હથિયાર લૂંટીને લઇ ગયા ચીની સૈનિકો, પાછા આપવાની માંગ 
આ ઘટનાના કેટલાક વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ચીની સૈન્યના જવાનો ફૂલેલી બોટને પંચર કરી રહ્યા છે. જનરલે આ ઘટનાને લૂંટ ગણાવી હતી. તેમણે કહ્યું કે તેમની પાસે અમારી કામગીરીને હાઇજેક કરવાનો અને અમારા વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં જહાજોનો નાશ કરવાનો કોઈ કાનૂની અધિકાર નથી. ફિલિપાઈન્સના સૈન્ય વડાએ ચીન પાસે જપ્ત કરાયેલી રાઈફલ્સ અને સાધનો પરત કરવા અને હુમલામાં થયેલા નુકસાનની ભરપાઈ કરવાની માંગ કરી છે. જનરલે કહ્યું કે સૈનિકોએ ચાઈનીઝ કોસ્ટ ગાર્ડ્સને છરી, ભાલા, ચાકૂ અને તલવારોથી સજ્જ જોયા છે. જનરલે કહ્યું કે વીડિયોમાં ચીની સૈનિકો અમારા સૈનિકો તરફ ચાકુ બતાવતા જોઈ શકાય છે. ચીની જવાનોએ ઘણી બંદૂકો જપ્ત કરી અને બોટની મોટરોનો નાશ કર્યો છે.


ચીને લગાવ્યો આ આરોપ 
ફિલિપાઈન્સના સૈન્ય વડાએ ચીનને ઉપકરણ પરત કરવા અને હુમલામાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા જણાવ્યું છે. ફિલિપાઇન્સે આ હુમલાની તુલના દક્ષિણ ચીન સમુદ્રમાં ચાંચિયાગીરી સાથે કરી છે, ફિલિપાઇન્સના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આઠથી વધુ મોટરબોટ પર સવાર ચીની કોસ્ટ ગાર્ડના જવાનોએ વારંવાર હુમલો કર્યો હતો. તે જ સમયે, ચીને આ માટે ફિલિપાઈન્સને દોષી ઠેરવ્યું અને કહ્યું કે ફિલિપિનો જવાનોએ તેની ચેતવણીની અવગણના કરી અને સમુદ્રમાં તેના પ્રાદેશિક પાણીમાં અતિક્રમણ કર્યું છે.