બેઇજિંગઃ ચીનમાં ઘાતક કોરોના વાયરસથી ત્રણ હજારથી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. દેશમાં મુશ્કેલભરી સ્થિતિમાં ફસાયેલી કમ્યુનિસ્ટ પાર્ટીની સરકાર પોતાની ભૂલ સુધારવામાં લાગી છે. આ કારણે કોરોનાને લઇને સૌ પ્રથમવાર ચેતવણી આપનારા વુહાનની એક હોસ્પિટલના ડોક્ટર લી વેનલિયાંગના પરિવારજનોની માફી માંગી લીધી છે.


ડિસેમ્બર 2019ના અંતમાં જ્યારે વુહાનની હોસ્પિટલમાં વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો તો વ્હીસલબ્લોઅર વેનવિયાંગે જ પોતાના  સહકર્મીઓ અને અન્ય લોકોને ચીની સોશિયલ મીડિયા એપ વીચેટ મારફતે જણાવ્યું હતું કે, દેશમાં સાર્સ જેવા વાયરસની જાણકારી મળી છે. વેલિયાંગનું કોરોના વાયરસના કારણે ફેબ્રુઆરીમાં મોત થયું હતું.

‘ધ ગાર્જિયન’ રિપોર્ટ અનુસાર, ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીની અનુશાસન મામલાની સમિતિએ માન્યું કે, વેનલિયાંગ મામલામાં તેમના તરફથી ભૂલ થઇ છે. ટીકાકારોથી ઘેરાયેલી સતાધારી પાર્ટીએ પોતાનો બચાવ કરતા આ મામલા બદલ પોલીસને જવાબદાર ઠેરવી છે. ડોક્ટરને  ધમકી આપનારા બે પોલીસ કર્મીઓ વિરુદ્ધ હવે કાર્યવાહી કરવામાં આવશે.

વાસ્તવમાં ડોક્ટર દ્ધારા ચેતવણી આપવામાં આવી ત્યારે પોલીસ મોકલીને તેને ધમકી આપવામાં આવી હતી અને તેને ચેતવણી અપાઇ હતી કે, અફવા ન ફેલાવે નહી તો તેના પર કેસ દાખલ કરવામાં આવશે. જોકે, વેનલિયાંગની આશંકા સત્ય સાબિત થઇ અને આજે આખી દુનિયા તેના પરિણામ ભોગવી રહી છે.