Ukraine Russia War: છેલ્લા 27 દિવસથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે બંને દેશોની આર્થિક સ્થિતિ ખરાબ કરી દીધી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રશિયન દુકાનદારો સુપરમાર્કેટમાં ખાંડ માટે એકબીજામાં લડતા જોવા મળે છે. લોકો આ વીડિયોને સોશિયલ મીડિયા પર જોરદાર રીતે શેર કરી રહ્યા છે, ઘણા યુઝર્સ દેશમાં સર્જાઈ રહેલી આ સ્થિતિ માટે પુતિનને જવાબદાર ઠેરવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ દરમિયાન રશિયાએ તમામ રશિયન સ્ટોર્સમાં માત્ર 10 કિલો ખાંડ રાખવાની મર્યાદા નક્કી કરી છે. જેના કારણે તમામ વિસ્તારોમાં લોકોને સરળતાથી ખાંડ મળી શકે છે. બીજી તરફ રશિયામાં ખાંડના ભાવ આસમાને છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રશિયામાં વાર્ષિક મોંઘવારી દર 2015 પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. જેના કારણે ખાંડના ભાવમાં લગભગ 31 ટકાનો વધારો થયો છે.
તે જ સમયે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં, લોકોનું ટોળું શોપિંગ કાર્ટમાંથી ખાંડની થેલીઓ મેળવવા માટે એકબીજા સાથે લડતા અને ધક્કામુકી કરતા જોઈ શકાય છે. આ વીડિયોએ ટ્વિટર ખૂબ વાયરલ થયો છે. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે સામાન્ય નાગરિકોને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેને ઉજાગર કરવા લોકો આડેધડ શેર કરી રહ્યા છે.
યુદ્ધે બંને દેશોમાં મોંઘવારી વધારી
તમને જણાવી દઈએ કે આ યુદ્ધના કારણે બંને દેશોમાં મોંઘવારી વધી છે. બીજી તરફ, રશિયા દ્વારા યુક્રેન પર સતત હુમલાને કારણે ઘણા પશ્ચિમી દેશોએ પ્રતિબંધ લગાવી દીધો છે, જેના કારણે અન્ય ઘણા ઉત્પાદનો પણ મોંઘા થઈ રહ્યા છે. રશિયા પર પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે, ટેલિવિઝન જેવી વિદેશી આયાતી ચીજવસ્તુઓની ભારે અછત સર્જાઈ છે. રશિયન સરકારે ચલણ નિયંત્રણો લાગુ કરીને ફુગાવાને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ સરકારના પ્રયાસો નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. કારણ કે રશિયામાં અન્ય વસ્તુઓની કિંમતો પણ સતત વધી રહી છે, જેના પરિણામે ઘણા નાગરિકો પરેશાન થઈ રહ્યા છે.