લંડન: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લંડનમાં એક કાર્યક્રમ દરમિયાન ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીની વિદેશ નીતિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ડોકલામ કોઈ અલગ મુદ્દો નથી. આ એક પછી એક અનેક ઘટનાઓનો ભાગ છે. આ એક પ્રકિયા હતી. પણ પીએમ મોદી ડોકલામને એક ઇવેન્ટની તરીકે જુએ છે.
લંડન સ્થિત થિંક ટેન્ક ઈન્ટરનેશનલ ઇંસ્ટીટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝમાં લોકોને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પીએમ મોદી માટે ડોકલામ વિવાદ એક ઈવેન્ટ છે. જો તેઓએ ધ્યાનથી સમગ્ર પ્રક્રિયા જોઈ હોત તો તેને રોકી શકતા હતા. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે એ આજે પણ હકિકત છે કે ડોકલામમાં આજે પણ ચીનના સૈનિકો ઉપસ્થિત છે.
આ દરમિયાન રાહુલ ગાંધીએ પાકિસ્તાનને લઈને પણ મોદી પર નિશાન સાધ્યું. તેઓએ કહ્યું કે, પાકિસ્તાનને લઈને પીએમ પાસે કોઈ ઊંડાણથી વિચારેલી રણનીતિ નથી. પાકિસ્તાનની સાથે વાતચીત કરવા ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે ત્યાં કોઈ એવી સંસ્થા નથી, જે સર્વોચ્ચ હોય. આપણે ત્યાં સુધી રાહ જોઈશું, જ્યાં સુધી તેઓ કોઈ સુસંગત માળખું નથી બનાવતા.
તેમણે કહ્યું, ભારત છેલ્લા 70 વર્ષોમાં પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. લોકતાંત્રિક સિદ્ધાંતોનો ઉપયોગ કરીને એક ગ્રામીણ દેશ બદલાઈ રહ્યો છે. આપણે શાંતિપૂર્ણ રીતે ફેરફાર કરી રહ્યા છીએ. મહત્વપૂર્ણ સિદ્ધાંત એવો હતો કે ફેરફારનો ફાયદો તમામ ભારતીયોને મળે અને કોઈ પણ પાછળ ન રહી જાય. ભોજન, કામ અને સૂચનાનો અધિકાર આ તમામ માળખાના ફેરફાર દરમિયાન લોકોને થનારી મુશ્કેલીઓ ઓછી કરવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા.
રાહુલ ગાંધીએ પીએમ મોદી પર સત્તાના કેન્દ્રીયકરણનો પણ આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, ભારત ત્યારે જ સફળ થયું જ્યારે સત્તા વિકેન્દ્રીકૃત થઈ. છેલ્લાં ચાર વર્ષમાં મોટા પાયે સત્તાનું કેન્દ્રીકરણ થયું છે. આજે સત્તાની સમગ્ર તાકાત પીએઓમાં જ કેન્દ્રીત થઈ ગઈ છે.
કૉંગ્રેસ અધ્યક્ષે કહ્યું, ભારતની વર્તમાન સરકાર વિશે મુખ્ય ફરિયાદમાંથી એક ફરિયાદ એ છે તે મને ભારતની તાકાતના આધાર પર કોઈ સુસંગત રણનીતિ નથી દેખાઈ રહી. મને માત્ર તાત્કાલિક પ્રતિક્રિયાઓ દેખાઈ છે. જો ચીન સાથે આપણો પારંપારિક ઇતિહાસ રહ્યો છે. જ્યાં સુધી લોકતાંત્રિક માળખાની વાત છે. ત્યાં આપણે યૂરોપીયન દેશોની વધુ નજીક છે.