અમેરિકામાં એક જ દિવસમાં કોરોનાથી 2 હજાર 579 તો બ્રાઝિલમાં 935 દર્દીના મોત નિપજ્યા છે. USA, રશિયા અને બ્રાઝિલમાં કોરોના મહામારી વધુ સંહારક બની છે. દુનિયાના સૌથી વધુ શક્તિશાળી અને સંપન્ન દેશ યુએસએમાં કોરોના મહામારી કોઇ રીતે ઓસરવાનું નામ લેતી નથી, કોરોનાના દૈનિક કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે પણ રોજ સરેરાશ બે હજાર લોકોના મોત થવાને કારણે કોરોના મહામારીની દહેશત નવેસરથી ફેલાઇ રહી છે.


રશિયા અને બ્રાઝિલમાં પણ એક જ દિવસમાં અનુક્રમે 793 અને 935 જણાના મોત નીપજ્યા છે. ન્યુ યોર્ક ટાઇમ્સના અહેવાલ અનુસાર ગયા અઠવાડિયામાં કોરોનાના સરેરાશ દૈનિક કેસોની સંખ્યા બે હજાર કરતાં વધારે જણાઇ હતી. ડેલ્ટા વેરિઅન્ટ બાળકોમાં ઝડપથી ફેલાઇ રહ્યો હોવાનો USAના નિષ્ણાંત તબીબો દાવો કરી રહ્યા છે.


હાલ બાર વર્ષ કરતાં વધારે વયના લોકોને ફાઇઝરની કોરોનાની રસી ઉપલબ્ધ છે. મોટાભાગના પશ્ચિમી દેશોમાં બાર કરતા ઓછી વયના બાળકોને કોરોનાની રસી આપવામાં આવતી નથી. પણ ક્યુબા અને ચીને અનુક્રમે બે અને ત્રણ વર્ષના બાળકોને પણ તેમની કોરોનાની રસી આપવાની મંજૂરી આપી છે.


અલાબામા રાજ્યના ઇતિહાસમાં પહેલીવાર ગયા વર્ષે જન્મસંખ્યા કરતાં મૃત્યુની સંખ્યા વધારે નોંધાઇ હતી. રાજ્યના આરોગ્ય અિધકારી ડો. સ્કોટ હેરિસે જણાવ્યું હતું કે ગયા વર્ષે કુલ 64,714 જણાના મોત થયા હતા જ્યારે 57,641 બાળકોનો જન્મ થયો હતો. પહેલા અને બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન કે ફલુની મહામારીમાં પણ આવું બન્યું નહોતું.


ગુજરાતમાં કોરોના કેસ


ગુજરાતમાં 20 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 14 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 17 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,522 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં 20 સપ્ટેમ્બરે કોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી. આજે 3,72,334 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 133 કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 129 નાગરિકો સ્ટેબલ છે. 8,15,522 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. જે સકારાત્મક બાબત કહી શકાય. અમદાવાદ કોર્પોરેશન 5, સુરત કોર્પોરેશન 3, વડોદરા કોર્પોરેશન 3, પોરબંદર 1, સુરત 1 અને વડોદરામાં 1 કેસ નોંધાયો છે.