વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કોરોનાની ત્રીજી લહેરની પહેલા તબક્કાની શરૂઆત થઈ ગઈ હોવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે કેટલાક દેશોમાં ત્રીજી લહેરે તબાવી મચાવવાની શરૂ કરી દીધી છે. ત્રીજી લહેરમાં સૌથી વધુ કેસ અમેરિકામાં સામે આવી રહ્યા છે. અહીં છેલ્લા 25 દિવસમાં નવા કેસોમા 350%નો વધારો થયો છે. બીજી તરફ વેક્સિનેશન ધીમું પડી રહ્યું છે.

 

ઇન્ડોનેશિયા કોરોનાના કેસમાં એશિયાનું એપી સેન્ટર બની ગયું છે, તો સ્પેનમાં સમગ્ર મહામારી દરમિયાન પ્રથમ વાર એક જ દિવસમાં 44 હજાર કેસ નોંધાયા છે. બીજી તરફ દુનિયાના પાંચમા સૌથી વધુ સંક્રમિત દેશ રશિયામાં અડધાથી વધુ જનસંખ્યા વેક્સિન લેવા તૈયાર નથી.  બ્રિટન પોતાને ત્રીજી લહેરથી બચાવવા માટે ફ્રાન્સને રેડ લિસ્ટમાં સામેલ કરવા જઇ રહ્યું છે.

 

વધુ વિગતો મેળવીએ તો અમેરિકાનાં 50 રાજ્યમાંથી 19 રાજ્યમાં જૂના કેસની તુલનામાં કોરોનાના ડબલ કેસ નોંધાઇ રહ્યા છે. છેલ્લા 25 દિવસમાં સંક્રમણના નવા કેસમાં 350%નો વધારો નોંધાયો છે. દક્ષિણ કેલિફોર્નિયાના લોસ એન્જલસ શહેરમાં ઘરની અંદર પણ માસ્ક પહેરવાને જરૂરી કરાયું છે. અહીં 16મી જૂને માસ્ક પહેરવાના નિયમને દૂર કરાયો હતો. અહીં રસીના બંને ડોઝ લઈ ચૂકેલા લોકોને પણ ફરજિયાત માસ્ક પહેરવું પડશે. 

 

ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, 33 કરોડ 60 લાખની જનસંખ્યાવાળા અમેરિકામાં 160 મિલિયન (16 કરોડ) લોકોને વેક્સિનના બંને ડોઝ અપાયા છે. એટલે કે અહીં લગભગ 48% વસતિનું વેક્સિનેશન થઈ ગયું છે.  અમેરિકામાં લગભગ 5 લાખ 30 હજાર વેક્સિનના ડોઝ દરરોજ અપાઇ રહ્યા છે, જ્યારે એપ્રિલમાં 3.3 મિલિયન (33 લાખ) ડોઝ દૈનિક અપાતા હતા. છેલ્લા કેટલાક સપ્તાહમાં મિસોરી, અર્કનસાસ અને નેવાદ જેવાં રાજ્ય સંક્રમણના નવા હોટસ્પોટ બન્યા છે. અહીં કોરોનાના દર્દીની દેખભાળ કરવામાં હેલ્થવર્કર્સ પણ તણાવમાં આવી ગયા છે. બ્રિટને ફ્રાન્સને મિડિયમ રિસ્ક કન્ટ્રીની કેટેગરીમાં મૂક્યું છે. બેટા વેરિયન્ટનો પ્રથમ કેસ સાઉથ આફ્રિકામાં મળ્યો હતો. બ્રિટનમાં ગુરુવારે 48,553 નવા કેસ નોંધાયા હતા.