Corona Vaccine: કોરોના સામે લડવા હાલ વેક્સિન જ અકસીર ઇલાજ છે. આ દરમિયાન રશિયામાં કોરોના વેક્સિનનની બ્લૂ પ્રિંટ ચોરવા માટે જાસૂસ મોકલવામાં આવ્યા હોવાનો રિપોર્ટથી ખળભળાટ મચી ગયો છે. રશિયા પર ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સિનની ડિઝાઇન ચોરવા માટે બ્રિટનમાં જાસૂસનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ લાગ્યો છે.
ડેઇલી મેલમાં છપાયેલા રિપોર્ટમાં રશિયાએ વેક્સિનની ફોર્મુલા ચોરવા માટે જાસૂસનો ઉપયોગ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેમના દેશમાં પ્રભાવશાળી કોરોના વેક્સિન બનાવીને વિશ્વની પ્રથમ કોરોના વાયરસ વેક્સિન બનાવવાની રેસ જીતી શકે તે માટે આમ કરવામાં આવ્યું હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે.
રિપોર્ટ મુજબ સુરક્ષા સૂત્રો પાસે એ વાતના પુરાવા છે કે યૂકેમાં મોસ્કોનો ટોચનો એક જાસૂસ કોરોના ફોર્મુલાની બ્લૂપ્રિંટ ચોરવા આવ્યો હતો. આ જાસૂસ ફાર્મા કંપનીની લેબોરેટરી કે કારખાનામાંથી દસ્તાવેજો ચોરી રહ્યો કે કે તૈયાર દવાની શીશી તે સ્પષ્ટ થઈ શક્યું નથી.
એમઆઈ5 જાસૂસ પહેલા જ કહી ચુક્યા છે કે બ્રિટિશ વૈજ્ઞાનિકો દ્વારા વેક્સિન વિકસિત કરવાની જાહેરાતના લગભગ એક મહિના બાદ રશિયાના હેકર્સે માર્ચ 2020થી ઓક્સફોર્ડ યુનિવર્સિટી પર સાઇબર હુમલો કરવાની વારંવાર કોશિશ કરી હતી. ગત વર્ષે એપ્રિલમાં ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકાએ જાહેરાત કરી હતી કે તેઓ કોરોના મહામારીની પ્રથમ વેક્સિનનું માનવ પરીક્ષણ શરૂ કરી રહ્યા છે.
રિપોર્ટ મુજબ તે પછીના જ મહિને રશિયાએ ખુદની રસી બનાવી લીધી હોવાની જાહેરાત કરી હતી. ઓગસ્ટમાં વ્લાદિમિર પુતિને એક ટીવી ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, દેશે પ્રથમ વેક્સિન બનાવીને વૈશ્વિક દોડ જીતી લીધી છે.