અમદાવાદ: ભારત તેમ જ વિશ્વના અનેક દેશોમાં આ મહામારીએ કાળો કેર વર્તાવ્યો છે. આ મહામારીએ અનેક લોકોનો ભોગ લીધો છે, તો અનેકોને તેમના ઘરમાં પુરાઈ રાખ્યા છે. આવા કપરા સમયમાં લોકોની મદદ કરવા તેમ જ તેમને બચાવવા માટે ભારતના કેટલાક વ્યક્તિઓ, હેલ્થ-કેર વ્યાવસાયિકો, સરકારી અધિકારીઓ અને સામાજિક સંસ્થાઓએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો છે. આવા ઘણા ડોક્ટરો, નર્સો, મેડિકલ સપોર્ટ સ્ટાફ, પોલીસકર્મીઓ, સમાજસેવીઓ,ચેરિટી સંસ્થાઓ અને ઢગલાબંધ લોકોએ સંપૂર્ણ સમર્પણથી આ સેવા કરી છે અને તેમાના કેટલાકે તો આ ફરજ નિભાવતા નિભાવતા પોતાના જાનની આહુતિ પણ આપેલ છે.

ગુજરાતમાં જન્મેલા અને દુબઈમાં રહેતા ઉદ્યમી મોહમ્મદ રશિદ ખાનના મનમાં આવા કસોટીના સમયમાં બહાદુરી બતાવનાર આવા ફ્રંટલાઇન વોરિયર્સ પ્રત્યે અપાર સહાનુભૂતિ છે. એ કહે છે, “ખરા હીરો એ જ લોકો છે, જેમણે પોતાના જીવ કે પોતાના પરિવાર વિશે વિચાર્યા વિના આગળ ધપીને નિસ્વાર્થ ભાવથી દેશની સેવા કરી છે. ગત કેટલાક મહિનાઓમાં જ્યારે આ મહામારીએ સંપૂર્ણ વિશ્વમાં ઉથલપાથલ મચાવી દીધી છે, ત્યારે આવા લોકોએ આપેલ સેવા અને સમર્પણ બદલ હું દિલથી તેમનો ઋણી છું.”



હેલ્થ કેર કાર્યકરો માટે અને ખાસ કરીને ડૉક્ટરો માટે આ સંકટ કાળ ખરેખર પડકારજનક હતો અને તેઓએ લોકોના જીવ બચાવવા માટે દરેક સંભવ પ્રયાસ કર્યો છે. આ બહાદુર ફ્રંટલાઇન વોરિયર્સ પ્રત્યે અને દેશવાસિઓ માટે તેમણે આપેલ બલિદાન પ્રત્યે આદરના પ્રતિકરૂપે મોહમ્મદ રશિદ ખાને દુબઈના પામ ડ્રૉપ ઝોનમાં સર્વોચ્ચ ઊંચાઈથી સ્કાઇડાઈવિંગ કરીને ભારતીય તિરંગો લહેરાવ્યો. તેમનું આ કૃત્ય પોતે જ પ્રશંસાને પાત્ર છે.

રશિદ કહે છે, “એવા તમામ લોકો પ્રત્યેનું પ્રેમ અને આદર વ્યક્ત કરવાની મને ઈચ્છા હતી,જેઓ હિમ્મત હાર્યા વિના લડ્યા અને પોતાના પ્રાણનું બલિદાન પણ આપ્યું. આ સંકટ કાળમાં પોતાના દેશવાસીઓના કલ્યાણ માટે અથક પરિશ્રમ કરનાર આ યોદ્ધાઓ માટે ભારતીય તિરંગો લહેરાવવાથી વધુ સારી સલામી શું હોઈ શકે? આ કૃતિ વડે પોતાનું પ્રેમ અને આદર વ્યક્ત કરતાં હું અભિમાન અનુભવું છું. આ અસલ મહાનાયકોએ જે મહાન કાર્ય કર્યું છે, તેને બિરદાવવા માટે કોઈ પણ કૃતિ પર્યાપ્ત હશે નહીં.”