નવી દિલ્હીઃ કોરોના વાયરસની ઉત્પતિને લઇને એક તરફ ચીન પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસને ચીનું જૈવિક હથિયાર ગણાવવામાં આવી રહ્યું છે ત્યારે અમેરિકા સહિત અનેક દેશોની મદદથી થયેલા એક વૈજ્ઞાનિક શોધમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વાયરસ કુદરતી છે.


સ્ક્રીપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના શોધને નેચર મેડિસિન જર્નલના નવા અંકમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ શોધને અમેરિકાના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ, બ્રિટનના વેલકમ ટ્રસ્ટ, યુરોપીય રિસર્ચ કાઉન્સિલ તથા ઓસ્ટ્રેલિયન લૌરેટ કાઉન્સિલની આર્થિક મદદથી કરવામાં આવ્યો છે. તે સિવાય અડધો ડઝન સંસ્થાઓના નિષ્ણાંતો સામેલ હતા.

રિસર્ચ પેપર અનુસાર, ચીને કોરોના વાયરસની ઓળખ બાદ તરત જ તેની જિનોમ સિક્વેન્સિગ કરી દીધી હતી અને આંકડાઓને સાર્વજનિક કર્યા હતા. કોવિડ-19ના જિનોમથી વૈજ્ઞાનિકોએ તેની ઉત્પતિ અને વિકાસને લઇને સંશોધન કર્યું હતું. વૈજ્ઞાનિકોએ વાયરસની સંરચનાને લઇને ઉંડો અભ્યાસ કર્યો. તેમાં  જોવા મળતા સ્પાઇક પ્રોટીનના જેનેટિક ટેમ્પલેટનું વિશ્લેષણ કર્યુ. તેની અંદર રિસિપ્ટર બાઇડિંગ ડોમેનની સંરચનાનો પણ અભ્યાસ કર્યો. આરબીડી વાયરસનો એ ભાગ હોય છે જે માણસની  કોષિકા સાથે ચોંટી જાય છે. તે રક્તચાપને નિયંત્રિત કરવાનારા જીન એસીઇ-2 પર હુમલો કરે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સ્પાઇક પ્રોટીન અને આરબીડીની સંરચનાથી સ્પષ્ટ થાય છે કે આ જેનેટિક એન્જિનિયરિંગથી બનાવવામાં આવ્યું નથી પરંતુ કુદરતી રીતે થયેલા ફેરફારનું પરીણામ છે.

રિસર્ચ પેપર અનુસાર, વાયરસની બેકબોનની સંરચના પણ તેની કુદરતી ઉત્પતિ હોવાની પુષ્ટી કરે છે. કોવિડ-19ની બેકબોનની સંરચના કોરોના અથવા કોઇ અન્ય વાયરસના વર્તમાન બેકબોનના સ્વરૂપ સાથે મળતી નથી. પરંતુ આ નવી છે. જો કોઇ વાયરસને લેબમાં જેનેટિક એન્જિનિયરિંગથી તૈયાર કરવામાં કરવામાં આવે તો તેની બેકબોન વર્તમાન વાયરસને લઇને બનતી નથી.  સ્ક્રીપ્સ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર ક્રિસ્ટિન એન્ડરસને કહ્યું કે, ઉપરના બે કારણો એ સાબિત કરવા માટે પુરતા છે કે કોવિડ-19 લેબમાં નહી પરંતુ કુદરતી રીતે ઉત્પન્ન થયો છે.