લાહોર: કોરોનાના મામલે ભારતને ટોણા મારનારા ઈમરાન ખાનના (Pakistan PM Imran Khan) દેશ પાકિસ્તાનમાં કોવિડની ચોથી લહેર (Coronavirus Fourth Wave) ઝડપથી આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં અહીં મેં મહિના બાદ સૌથી વધુ કેસ નોંધાયા છે. પાકિસ્તાનમાં છેલ્લા ત્રણ સપ્તાહ કરતાં પણ ઓછા સમયથી નવા મામલામાં ત્રણ ગણો વધારો થયો છે. નિષ્ણાતોનું માનવું છે કે પાકિસ્તાનમાં કોરોનાની ચોથી લહેર ઝડપથી આગળ વધશે.
હેલ્થ અધિકારીઓના કહેવા મુજબ ચોથી લહેર માટે જનતાની બેદરકારી જવાબદાર છે. આ ઉપરાંત સંક્રમણના મામલા વધવા માટે કારોબાર (Business) અને પર્યટન સ્થળો (Tourist Spots) ફરીથી ખોલવાને જવાબદાર ગણાવાઈ રહ્યા છે. હેલ્થ અધિકારીઓએ સરકારને લોકડાઉન (Lockdown) લગાવવાની માંગ કરી છે, તેમના કહેવા મુજબ ઈદ-ઉલ-અઝહા પણ સ્વાસ્થ્ય સંબંધી પ્રતિબંધો સાથે મનાવવી જોઈએ.
પોઝિટિવ દર સૌથી વધારે
આંકડા મુજબ પાકિસ્તાનમાં 30 મેના રોજ પોઝિટિવ દર 4.05 ટકા હતો. દરરોજ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવતાં લોકોની સંખ્યા ત્રણ ગણી વધી ગઈ છે. રવિવારે જાહેર થયેલા સત્તાવાર આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 1980 નવા મામલા સામે આવ્યા અને સંક્રમણ દર 4.09 ટકા હતો. 21 જૂને 663 નવા મામલા નોંધાયા હતા. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા મંત્રાલયે જણાવ્યું કે 30 મે બાદ પ્રથમ વખત સંક્રમણ દર ચાર ટકાને પાર થયો છે.
મહામારીમાં બોર્ડની પરીક્ષા યથાવત
વર્લ્ડોમીટરના આંકડા મુજબ પાકિસ્તાનમાં કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચુકેલા લોકોની કુલ સંખ્યા 9,75,092 છે. છેલ્લા 24 કલાકમાં 27 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 22,597 થયો છે. આંકડા મુજબ 9,13,203 લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે, જ્યારે 2,119 લોકોની હાલત ગંભીર છે. સરકાર રસીકરણ પર ભાર મુકી રહી છે પરંતુ અત્યાર સુધીમાં માત્ર 1.90 કરોડ ડોઝ જ આપી શકાયા છે. વિપક્ષની ચેતવણી અને વિદ્યાર્થીઓના પ્રદર્શન છતાં સરકાર માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડની પરીક્ષા યોજી રહી છે. જેનાથી સંક્રમણના મામલા વધી શકે છે.