પેરિસઃ કોરોના વાયરસ મહામારી સામે લડવા દરેક દેશ શક્ય તમામ કોશિશ કરી રહ્યા છે. આ મહામારીએ કરોડો લોકોને પ્રભાવિત કર્યા છે. કોરોનાના કારણે વિશ્વભરના લોકો આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યા છે. આ દરમિયાન ફ્રાંસે કોરોના ટેસ્ટને લઈ મોટો ફેંસલો કર્યો છે. ફ્રાંસના સ્વાસ્થ્ય મંત્રી ઓલિવર વેરને જાહેરાત કરી છે કે તેમણે એક કરાર કર્યો છે. જે બાદ દેશમાં કોરના ટેસ્ટ નિશુલ્ક કરવામાં આવશે. જે પણ લોકો કોરોના ટેસ્ટ કરાવશે તેનો ખર્ચ સરકાર ઉઠાવશે.


સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું, મેં એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જે મુજબ કોઈપણ વ્યક્તિ પીસીઆર ટેસ્ટ કરાવી શકે છે. આ માટે કોઈ ડોક્ટરના સબ્સ્ક્રિપ્શન કે કોરોનાના લક્ષણ હોવા જરૂરી નથી, જે પણ વ્યક્તિ કોરોના ટેસ્ટ કરાવશે તેનો ખર્ચ સરકાર ઉઠાવશે.

ઓલિવર વેરને યુવાઓને અપીલ કરી કે તેઓ કોરોનાને લઈ સતર્ક રહે અને કોઈપણ પ્રકારના સંક્રમણને હળવાશથી ન લે. યુવાઓ ઝડપથી સામાન્ય જીવનમાં પરત ફરવા માંગે છે અને પહેલાની જેમ જ સામાજિક જીવન જીવવા માંગે છે, પરંતુ જાહેર સ્થળો પર લોકોની ભીડ દેશના સ્વાસ્થ્ય કર્મીઓ માટે અભિશાપ સાબિત થઈ શકે છે.

ફ્રાંસમાં કોરોના સંક્રમણના 2 લાખ 17 હજારથી વધારે કેસ નોંધાઈ છે, જ્યારે 30 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.

ફ્રાંસ સરકારે 1 ઓગસ્ટથી અમેરિકા, બ્રાઝીલ, ભારત સહિત 16 રેડ ઝોન દેશમાંથી આવતા પ્રવાસીઓ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવવાની જાહેરાત કરી છે.