લંડનઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે, ઘણા દેશો તેની રસી શોધવામાં લાગ્યા છે. આ દરમિયાન વૈજ્ઞાનિકોએ કોવિડ-19ના છ પ્રકારના લક્ષણોની ઓળખ કરી છે અને તમામ પ્રકારના લક્ષણોમાં પણ થોડોક તફાવત જણાયો છે. આ શોધની મદદથી વૈજ્ઞાનિકોને લક્ષણના આધારે વાયરસના યોગ્ય પ્રકારને ઓળખવામાં મદદ મળશે.


મેડઆરએક્સઆઈવી પ્રીપિંટ પ્લેટફોર્મમાં પ્રકાશિત થયેલા રિસર્ચમાં બ્રિટન અને અમેરિકામાં આશરે 1600 લોકોના આંકડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ તમામ લોકો કોરોના સંક્રમિત હતા અને નિયમિત રીતે એક એપ પર તેમના લક્ષણોની જાણકારી અપડેટ કરતા હતા. જેના આધારે વિશ્લેષણ કરવામાં આવ્યું કે કયા દર્દીમાં કયા લક્ષણ એક સાથે જોવા મળે છે અને લક્ષણના હિસાબે વાયરસનો પ્રસાર કેવી રીતે થાય છે.

કેવા હોય છે લક્ષણ
- તાવ વગર ફ્લૂ જેવા લક્ષણ
- તાવ સાથે ફ્લૂ જેવા લક્ષણ
- પેટ તથા આંતરડા સંબંધી લક્ષણ
- થાકની સાથે પ્રથમ સ્તરની ગંભીરતા
- ભ્રમની સ્થિતિની સાથે બીજા સ્તરની ગંભીરતા
- પેટ દર્દ તથા શ્વસન તંત્રમાં તકલીફની સાથે ત્રીજા સ્તરની ગંભીરતા

શરૂઆતના ત્રણ લક્ષણવાળામાં 4.4 ટકા લોકોને ઓક્સિજન સપોર્ટની જરૂર પડે છે. જ્યારે ચોથા અને પાંચમા પ્રકારના લક્ષણવાળા લોકોને ક્રમશઃ 8.6 ટકા અને 9.9 ટકા લોકોને ઓક્સિજન સપોર્ટની જરૂર પડે છે. છઠ્ઠા લક્ષણવાળા 19.8 ટકા લોકોને ઓક્સિજન સપોર્ટ આપવો પડે છે. પ્રથમ લક્ષણવાલા માત્ર 16 ટકા લોકોને હોસ્પિટલ જવાની જરૂર પડે છે, જ્યારે છઠ્ઠા લક્ષણમાં 50 ટકા દર્દીને હોસ્પિટલમાં જવું પડે છે. રિસર્ચમાં જોવા મળ્યું કે ચોથા, પાંચમા છઠ્ઠા પ્રકારના લક્ષણ મોટી ઉંમરના લોકોમાં વધારે જોવા મળ્યા હતા.