નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના મહાસચિવ એન્ટોનિયો ગુતારેસે દુનિયાભરમાં ફેલાયેલી કોરોના મહામારી વચ્ચે જૈવિક આતંકવાદના ખતરાથી દેશોને સાવચેત રહેવાની અપીલ કરી છે.  ગુતારેસે કહ્યું કે, દુનિયા આ મહામારી સામે લડી રહી છે ત્યારે આતંકવાદીઓ તકનો લાભ લેવા માટે હુમલો કરી શકે છે. તેમણે કહ્યું કે આતંકી જૂથો ખતરનાક વાયરસો સુધી પહોંચી શકે છે જે દુનિયામાં આ પ્રકારની તબાહી મચાવી શકે છે. મહાસચિવે સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને સંબોધતા કહ્યું કે, કોરોના વાયરસ પ્રથમ અને સૌથી મોટું સ્વાસ્થ્ય સંકટ છે. આ મહામારી ઇન્ટરનેશનલ શાંતિ અને સુરક્ષા જાળવી રાખવા સામે મોટો ખતરો છે.

તેમણે કહ્યું કે, આ મહામારીથી એક અન્ય એક મોટો ખતરો પેદા થયો છે. આ મહામારી માનવાધિકાર સંબંધિત પડકારો પેદા કરી રહી છે. શરણાર્થી અને ઇન્ટરનેશનલ સ્તર પર વિસ્થાપિત લોકોને સૌથી વધુ ખતરો છે. કોરોના સંકટે અનેક વિનાશકારી સામાજિક અને આર્થિક પ્રભાવ પડ્યા છે અને વિશ્વભરની સરકારો વધતી બેરોજગારી અને આર્થિક ઘટાડાનો  સામનો કરવામાં અસરકારક ઉકેલ શોધવામાં  સંઘર્ષ કરી રહી છે.