પેરિસઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે બુધવારે કહ્યું કે, તેમણે ફ્રાન્સના સંરક્ષણ મંત્રી સંરક્ષણ સંબંધો સાથે જોડાયેલા તમામ મુદ્દાઓની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે, બંન્ને દેશો આતંકવાદ એકસાથે મળીને લડશે. સંરક્ષણ મંત્રી સાથે બેઠક બાદ ટ્વિટ કરી કહ્યું કે, ફ્રાન્સની સંરક્ષણ મંત્રી ફ્લોરેન્સ પાર્લી  સાથે પેરિસમાં વાર્ષિક સંરક્ષણ બેઠક દરમિયાન ઉપયોગી ચર્ચા થઇ છે. અમે દ્ધિપક્ષીય સંબંધોના તમામ મુદ્દાઓની સમીક્ષા કરી હતી. ભારત અને ફ્રાન્સ વચ્ચે આ બીજી મંત્રીસ્તરીય વાર્ષિક વાર્તા છે.


સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, બંન્ને મંત્રીઓએ પારસ્પરિક હિત સાથે જોડાયેલા ક્ષેત્રીય અને ઇન્ટરનેશનલ ઘટનાક્રમો પર પણ ચર્ચા કરી હતી. બંન્ને પક્ષોએ રક્ષા સંબંધિત વાતચીત કરી હતી. બંન્ને દેશોએ સંયુક્ત અભ્યાસના વિસ્તાર પર સહમતિ વ્યક્ત કરી હતી. બંન્ને પક્ષોએ સ્વીકાર કર્યો કે હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારત-ફ્રાન્સ ભાગીદારી સુરક્ષા હિતોને સુરક્ષિત રાખવા અને પ્રોત્સાહન આપવા માટે જરૂરી છે.


આ અગાઉ રાજનાથ સિંહે ફ્રાન્સમાં મંગળવારે સૈન્ય સલામી લીધી હતી. તેમણે કહ્યું કે, તે આશા રાખે છે કે 36 ફાઇટર પ્લેનમાંથી 18 વિમાન ફેબ્રુઆરી 2021 સુધી સોંપી દેવામાં આવશે જ્યારે બાકીના પ્લેન એપ્રિલ-મે 2022 સુધી મળવાની આશા છે.