Defence Budget 2023 : ચીન અને પાકિસ્તાનના સંયુક્ત ખતરાનો સામનો કરતા ભારતના સંરક્ષણ બજેટની જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2023-24 માટે ભારતે સંરક્ષણ ક્ષેત્ર માટે 5.93 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. જે ગત વર્ષની સરખામણીમાં 12.95 ટકા વધુ છે. જ્યારે ભારતે હથિયારોની ખરીદી માટે કુલ રકમ 10,000 કરોડ રૂપિયા વધારીને 1.62 લાખ કરોડ રૂપિયા કરી દીધી છે. જો ડોલરમાં જોવામાં આવે તો ભારતનું સંરક્ષણ બજેટ 52.8 અબજ ડોલર સુધી પહોંચી ગયું છે. જ્યારે કંગાળ થયેલા પાકિસ્તાને તેની સેના પરનો ખર્ચ ઓછો કરવો પડી રહ્યો છે.


ભારત સાથે દુશ્મનાવટ ધરાવતા પાકિસ્તાનનું સંરક્ષણ બજેટ ગયા વર્ષે $7.5 બિલિયન હતું જે આ વર્ષે વધુ ઘટવાની આશા છે. જ્યારે ભારત હવે પાકિસ્તાન કરતાં 7 ગણો વધુ સેના પર ખર્ચ કરી રહ્યું છે. ભારતનો સંરક્ષણ ખર્ચ જીડીપીના બે ટકા જેટલો છે. બીજી તરફ પાકિસ્તાન તેના કુલ જીડીપીના લગભગ 3 ટકા સેના પર ખર્ચ કરી રહ્યું છે. પાકિસ્તાન ભારતને પોતાનો સૌથી મોટો દુશ્મન માને છે પરંતુ હકીકત એ છે કે તે હવે ઘરઆંગણે તેનાથી પણ મોટા પડકારોનો સામનો કરી રહ્યું છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના આતંકવાદીઓ અમેરિકન હથિયારોથી સજ્જ છે અને સતત ભીષણ હુમલાઓ કરી રહ્યા છે.


પાકિસ્તાન આર્મી, ISIના ખર્ચમાં ભારે કાપ


બીજી તરફ લદ્દાખથી લઈને હિંદ મહાસાગર સુધી આંખો દેખાડતા ચીનની સરખામણી કરવામાં આવે તો ભારત ઘણું પાછળ છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર ચીનનું સંરક્ષણ બજેટ $293 બિલિયન છે. ભારત વિશ્વના ટોચના 5 સંરક્ષણ ખર્ચ કરનારાઓમાં સામેલ છે. જોકે ભારતના સંરક્ષણ બજેટનો મોટો હિસ્સો પેન્શન અને પગાર પર જાય છે. એવી અપેક્ષા હતી કે, સરકાર સંરક્ષણ પાછળનો ખર્ચ વધુ વધારશે પરંતુ તેમ થયું નથી. પણ આ વર્ષે ભારત 1.62 લાખ કરોડના શસ્ત્રો ખરીદી શકશે.


પાકિસ્તાનની આર્થિક કટોકટી હવે તેની સેના પર પણ અસર કરી રહી છે. પાકિસ્તાન આર્મી અને કુખ્યાત જાસૂસી સંસ્થા ISIના ખર્ચમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. IMF હાલમાં લશ્કરી ખર્ચમાં વધુ ઘટાડો કરવા માટે દબાણ કરી રહ્યું છે. આ કારણે એવું માનવામાં આવે છે કે, પાકિસ્તાન આર્મીની તૈયારીઓ પર તેની ખરાબ અસર પડશે. પાકિસ્તાન હવે ડૉલરની અછતને કારણે હથિયારો ખરીદવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. આટલું જ નહીં તે ઈચ્છે છે કે, અમેરિકાથી TTPના નામે પૈસા એઠવામાં આવે જેથી સેના પર ખર્ચ કરી શકાય.