ન્યૂયોર્કઃ અમેરિકાએ ભારતને મળેલા જીએસપી દરજ્જો ખત્મ કરી દીધો છે. જે પાંચ જૂનથી લાગુ થઇ જશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં તેની જાહેરાત કરી હતી. ટ્રમ્પે ચાર માર્ચના રોજ એ વાતની જાહેરાત કરી હતી કે તે જીએસપી કાર્યક્રમમાંથી ભારતને બહાર કરશે. ત્યારબાદ 60 દિવસોની નોટિસનો સમયગાળો 3 મેના રોજ પૂર્ણ થઇ ગયો હતો. હવે આ સંબંધમાં કોઇ પણ સમયે ઔપચારિક જાહેરાત કરી શકાય છે. આ વચ્ચે ભારતે કહ્યુ હતું કે, આ મુદ્દા પર સમાધાન માટે અમેરિકા સામે પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો પરંતુ તેનો સ્વીકાર કરવામાં આવ્યો નથી.

જીએસપી એટલે જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સેઝ. અમેરિકા દ્ધારા અન્ય દેશોના વ્યાપારમાં આપવામાં આવતું મહત્વની સૌથી જૂની અને મોટી સિસ્ટમ છે. તેની શરૂઆત 1976માં વિકાસશીલ દેશોમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી. આ દરજ્જો પ્રાપ્ત દેશોને હજારો સામાન કોઇ પણ પ્રકારના ટેક્સ વિના અમેરિકામાં નિકાસ કરવાની છૂટ મળી છે. ભારત 2017માં જીએસપી કાર્યક્રમમાં સૌથી મોટો લાભાર્થી રહ્યો છે. વર્ષ 2017માં ભારતે આ દરજ્જા હેઠળ અમેરિકાને 5.7 અબજ ડોલરનો સામાન નિકાસ કર્યો છે.

ટ્રમ્પે કહ્યું હતું કે, મે નક્કી કર્યુ છે કે ભારતે અમેરિકાને પોતાના બજાર સુધી સામાન અને તર્ક પૂર્ણ પહોંચવાનું આશ્વાસન આપ્યું નથી. એટલા માટે પાંચ જૂન 2019ના રોજ ભારતને મળતી જીએસપી દરજ્જાને ખત્મ કરવામાં આવશે. ટ્રમ્પે આ સંબંધમાં અમેરિકાના તમામ સાંસદોની અપીલને ઠુકરાવીને આ નિર્ણય લીધો છે. સાંસદોનું કહેવું છે કે આ પગલાથી અમેરિકન ઉદ્યોગપતિઓએ પ્રતિ વર્ષ 30 કરોડ ડોલરનો વધારાનો ટેક્સ આપવો પડશે.

આ મામલા પર ભારતે કહ્યું કે, અમે અમેરિકાની અપીલ પર સમાધાનનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો પરંતુ અમેરિકાએ તેનો સ્વીકાર કર્યો નથી. અમેરિકા અને અન્ય કોઇ દેશની જેમ ભારત પોતાના રાષ્ટ્રીય હિતને આગળ રાખશે. આર્થિક સંબંધોમાં આ પ્રકારની ચીજો હોય છે તેને  સાથે મળીને ઉકેલવી જોઇએ. આ નિરંતર પ્રક્રિયા છે અને અમેરિકા સાથે સંબંધોને મજબૂત કરતા રહીશું.