Turkey-Syria Earthquake Massive Destruction : ભૂકંપના કારણે તુર્કી અને સીરિયામાં ભયંકર તબાહી સર્જાઈ છે. તુર્કીમાં સોમવારે સવારે 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યાર બાદ બપોર બાદ 7.6ની તીવ્રતાનો વધુ એક આફ્ટશોક આવ્યો હતો. આ ઉપરાંત પણ સાંજે ત્રીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે, તેની તીવ્રતા 6.0 રહી હતી જે અત્યાર સુધીની ત્રણમાં સૌથી ઓછી છે. હવે નિષ્ણાંતોએ તુર્કીને લઈને ગંભીર ચેતવણી જાહેર કરી છે. 


તુર્કીની ડિઝાસ્ટર એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટ ઓથોરિટી (AFAD)અનુસાર ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 2 હજારથી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 5 હજારથી વધુ લોકો ઘાયલ છે, જેમાં ઘણા લોકો હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યાં છે. 


અહેવાલો અનુસાર એલ્બિસ્તાન તુર્કીમાં બીજા 7.5 તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર હતું. જ્યારે બીજી વખત ભૂકંપ આવ્યો ત્યારે લોકો તુરંત જ ઘરોમાંથી બહાર નીકળીને રસ્તાઓ પર એકઠા થઈ ગયા હતા. હવે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપતા કહ્યું છે કે, ભારે તીવ્રતાના ભૂકંપ બાદ આફ્ટરશોક્સ આવવાના કારણે તુર્કીમાં વધુ તબાહી મચી શકે છે.


નિષ્ણાતોના મતે જ્યારે વધુ તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે તેના પછી ઘણા આફ્ટરશોક્સ આવતા હોય છે. આ આંચકા અત્યંત જોખમી સાબિત થાય છે. નિષ્ણાતોના મતે તુર્કીમાં ભૂકંપ બાદ આફ્ટરશોક્સનો ભય પણ વધી ગયો છે. ભૂકંપના કારણે ઘણી એવી ઈમારતો છે જેમાં તિરાડો પડી ગઈ છે. અત્યાર સુધી આ તમામ ઈમારતો ભૂકંપના આંચકા સહન કરી ચૂકી છે, પરંતુ ભવિષ્યમાં જો સહેજ પણ ભૂકંપ આવે તો તેને જમીનદોસ્ત થતાં વાર નહીં લાગે. જો આમ થશે તો ના માત્ર વિનાશ જ થશે પરંતુ લોકોના જીવ બચાવવા ખૂબ મુશ્કેલ બની જશે. મોટી સંખ્યામાં લોકોના મોત નિપજશે. આ સાથે જ અબજો રૂપિયાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ નષ્ટ થઈ શકે છે.


ભૂકંપ બાદ આવતા આફ્ટરશોક આખરે છે શું? 


આફ્ટરશોક એવી સ્થિતિ કહેવાય છે, જ્યારે કોઈ વિસ્તારમાં વધુ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોય અને થોડા સમય બાદ ફરીથી ભૂકંપ આવે. જો તે પહેલા કરતા વધુ મજબૂત હોય તો તેને પ્રથમ ધરતીકંપ માનવામાં આવે છે. સમસ્યા એ છે કે ભૂકંપના બે વર્ષ પછી પણ આફ્ટરશોકની સ્થિતિ ઉભી થઈ શકે છે. જો કે, સમય સાથે તે ચોક્કસપણે નબળી પડી જાય છે. ભૂકંપ બદ આફ્ટરશોકની સ્થિતિ પણ ઘણી ખતરનાક હોય છે. ધારો કે ધરતીકંપ સમયે જો ઇમારતોને થોડું નુકસાન થયું હોય તો પછી એક નાનો આફ્ટરશોક પણ તે ઇમારતોને ખુબ જ આસાનીથી ધ્વસ્ત કરી શકે છે.


એટલા માટે ભૂકંપ બાદ આવી તમામ ઈમારતોની તપાસ કરવી જોઈએ જેથી ખાતરી કરી શકાય કે તે આવનારા કોઈપણ ભૂકંપનો સામનો કરી શકે છે કે નહીં.