Turkiye Earthquake Situation: તુર્કીમાં ભુકંપે ચારેકોર વિનાશ વેર્યો છે. તુર્કીમાં આવેલા ભયાનક ભૂકંપને 1000થી પણ વધુ બિલ્ડિંગ જમીનદોસ્ત થઈ ગઈ હતી. અનેક લોકો માર્યા ગયા છે. તુર્કી આજે સવારે આવેલા ભૂકંપથી હજી બહાર નથી આવ્યું ત્યાં વધુ એક ભૂકંપના આંચકાએ તુર્કીને હચમચાવી નાખ્યું છે. એકતરફ આકરો શિયાળો અને બીજી બાજુ ભૂકંપે તુર્કી સામે બેવડી મુશ્કેલી ઉભી કરી છે.
તુર્કીના દક્ષિણ વિસ્તારમાં ફરી એકવાર ભૂકંપના આંચકાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. સવારે આવેલા ભૂકંપના કારણે થયેલી તબાહી બાદ બપોરે લગભગ 4 વાગે આ માહિતી એવી સામે આવી હતી કે આખો દેશ વધુ એક તીવ્ર ભૂકંપથી હચમચી ગયો છે. આ ભૂકંપની તીવ્રતા પણ રિક્ટર સ્કેલ પર 7.8 માપવામાં આવી છે.
આજે પશ્ચિમ એશિયાના અનેક દેશો વિનાશક ભૂકંપથી હચમચી ગયા હતા. તુર્કી, લેબેનોન, સીરિયા અને ઈઝરાયેલ સહિત ચાર દેશોમાં સોમવારે સવારે ધરતી ધ્રૂજી ગઈ હતી. હજારો લોકો ભૂકંપની ઝપેટમાં આવ્યા હતાં. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8 હતી. ભૂકંપના કારણે ભારે તારાજી સર્જાઈ છે. તુર્કીમાં સોમવારે આવેલા ભૂકંપના જોરદાર આંચકા બાદ અનેક ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે અને 1600થી વધુ લોકોના મોત થયા છે. ભૂકંપનો આંચકો એટલો જોરદાર હતો કે થોડી જ સેકન્ડોમાં વિનાશ ફાટી નીકળ્યો. ભૂકંપના જોરદાર આંચકાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તુર્કીના 10 પ્રભાવિત પ્રાંતોમાં 2800થી વધુ ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. ભૂકંપની તીવ્રતા 7.8 હતી. તુર્કીમાં મૃત્યુઆંક 1014 પર પહોંચી ગયો છે, જ્યારે સીરિયામાં પણ ભૂકંપ બાદ 582 લોકોએ જીવ ગુમાવ્યા છે.
ભૂકંપના આંચકા બાદ ચારેબાજુ અફરા-તફરી મચી ગઈ હતી. લોકો પોતાનો જીવ બચાવીને ભાગતા જોવા મળ્યા હતા. જ્યારે કેટલાક હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે. ભૂકંપના કારણે કેટલું નુકસાન થયું છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. કૈરો સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર સીરિયન સરહદથી લગભગ 90 કિમી દૂર ગાઝિયાંટેપ શહેરની ઉત્તરે હતું.
રાહત કાર્ય પૂરજોશમાં
ભૂકંપના આંચકા વચ્ચે મોટા પાયે રાહત કાર્ય ચાલી રહ્યું છે. તુર્કી સહિત ભૂકંપ પ્રભાવિત દેશોમાં હજારો લોકો ક્ષતિગ્રસ્ત પરિસરમાં ફસાયા હોવાની આશંકા છે. તુર્કીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હજુ પણ ઘણા લોકો કાટમાળમાં ફસાયેલા છે. આવી સ્થિતિમાં બચાવ અને રાહત કામગીરી મોટા પાયે ચલાવવામાં આવી રહી છે.
અર્દોગાને યોજી ઈમરજન્સી બેઠક
ભૂકંપના પગલે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ અર્દોઆને ઈમરજન્સી બેઠક યોજી હતી જેમાં ભૂકંપ પીડિતોને શક્ય તમામ મદદની ઓફર કરવામાં આવી છે. ઘણા દેશો આપત્તિગ્રસ્ત તુર્કીને મદદ થવા જઈ રહ્યાં છે. આ દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે.
ત્રણ દિવસ પહેલા જ અપાઈ હતી ભૂકંપની ચેતવણી
યુરોપના એક વૈજ્ઞાનિકે 3 દિવસ પહેલા આ ભૂકંપની આગાહી કરી હતી. નેધરલેન્ડના વૈજ્ઞાનિક ફ્રેન્ક હોગરબીટ્સે આ અંગે 3 ફેબ્રુઆરીએ ટ્વિટ કર્યું હતું, તેમણે કહ્યું હતું કે- આજે નહીં તો કાલે પરંતુ ટૂંક સમયમાં આ વિસ્તારમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે.
4 દેશોને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું હતું
વૈજ્ઞાનિક ફ્રેન્ક હોગરબાઈટ્સના ટ્વીટમાં કહેવામાં આવ્યું હતું કે 7.5ની તીવ્રતાનો ભૂકંપ દક્ષિણ-મધ્ય તુર્કી, જોર્ડન, સીરિયા અને લેબનોનને અસર કરશે. જો કે, ભૂકંપની આ આગાહી પણ તુર્કીને રોકી શકી નહીં.
હિમવર્ષા પણ એક સમસ્યા બની હતી
ભૂકંપની વચ્ચે તુર્કીના ઘણા વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે નોંધાયું છે. હાલ આ દેશમાં આકરો શિયાળો ચાલી રહ્યો છે. ભૂકંપના કારણે અહીંના એરપોર્ટના રનવેને નુકસાન થયું છે. હિમવર્ષાના કારણે બચાવ કાર્યમાં પણ સમસ્યા સર્જાઈ છે.
સીરિયામાં 560 મૃત્યુ પામ્યા
તુર્કીના પાડોશી દેશ સીરિયામાં પણ હજારો લોકોના જીવ જોખમમાં છે. અહીં 560 લોકોના મોત થયા છે.
ભૂકંપનું કેન્દ્ર ગાઝિયનટેપમાં હતું
તુર્કીમાં સોમવારે સવારે લગભગ 4.15 વાગ્યે ભૂકંપનો પહેલો આંચકો આવ્યો હતો. તેનું કેન્દ્ર ગાઝિયાંટેપ વિસ્તારમાં હતું, જે સીરિયા સરહદથી 90KM દૂર છે.