નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાને નાથવા સરકાર કડક પગલાં ભરી રહી છે અને રસીકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ દરમિયાન ફિઝી સરકારે કડક પગલાં ભર્યા છે. અહીં વડાપ્રધાન ફ્રેન્ક બેનિમરામાએ કોરોનાને નાથવા માટે રસી જરૂરી હોઇ પ્રજાને એ લેવા માટે પ્રોત્સાહન પૂરું પાડવા નારો આપ્યો છે નો જૈબ, નો જોબ્સ અર્થાત રસી નહિ તો નોકરી નહિ.  આ પરિસ્થિતિમાં દેશના વડાપ્રધાને કહ્યું છે કે કોરોના રસી નહિ મૂકાવનારે નોકરી ગુમાવવી પડશે. વડાપ્રધાન ફ્રૈન્ક બેનિમરામાએ કહ્યું છે કે 15 ઓગસ્ટ સુધી વેક્સિનનો પહેલો ડોઝ નહિ લેનાર  સરકારી કર્મચારીઓને રજા પર ઉતારી દેવાશે અને 1 નવેમ્બર સુધી બીજો ડોઝ નહિ લેનારને નોકરીમાંથી કાઢી મૂકાશે.


ફિજી સરકારે કર્મચારીઓ ઉપરાંત કંપનીઓને પણ ચેતવણી આપી છે. સરકારે એ કંપનીઓને બંધ કરવાની ચીમકી આપી છે કે જેમાં મોટા ભાગના કર્મચારીઓ હજી સુધી રસીવિહોણા છે. ફિજીના વડાપ્રધાને દેશના નામે કરેલા સંબોધનમાં જણાવ્યું કે નો જૈબ, નો જોબ્સ. વિજ્ઞાન આપણને સમજાવે છે કે કોરોના સામે રક્ષણ મેળવવા માટે રસી કેટલી જરૂરી છે. હવે સરકારએના  આધારે નીતિ નક્કી કરી રહી છે. રસી નહિ મૂકાવનારાઓએ નોકરી ગુમાવવા માટે તૈયાર રહેવું પડશે. 


કોરોના વાયરસના વધેલા પ્રકોપથી ફિજીની સ્વાસ્થ્ય વ્યવસ્થા પર વિપરિત અસર પડી છે. એણે અર્થવ્યવસ્થાને વેરવિખેર કરી નાખી છે. અહીંની સરકાર બેરોજગાર પ્રજાજનોને ખેતી માટેના ઓજારો તથા રોક્ડ સહાય કરી રહી છે. પ્રશાંત મહાસાગરસ્થિત આ દેશમાં રોગચાળાના પહેલા વર્ષમાં કોઇ ખાસ અસર જણાઇ નહોતી.  


ફક્ત બે જ દર્દીના મોત થયા હતા. જો કે બે મહિના અગાઉ વાયરસના ડેલ્ટા સ્વરૂપે તાંડવ સર્જી દીધું છે.જેની અર્થવ્યવસ્થામાં ટુરિઝમનો નોંધપાત્ર ફાળો છે એ ફિજીમાં કોરોનાના પરિણામે આંતરરાષ્ટ્રીય સહેલાણીઓ આવી નહિ શક્તા અર્થવ્યવસ્થા પર 19 ટકા વિપરિત અસર પડી છે. અહીંની લગભગ અડધી નોકરીઓ ટુરિઝમ ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. ફિજી એની સફેદ રેતીના સમુદ્રતટ વગેરે માટે જાણીતું છે.