Bangladesh: સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાતોની એક ટીમ આવતા અઠવાડિયે બાંગ્લાદેશની મુલાકાત લેશે. અહીં ટીમ વડા પ્રધાન શેખ હસીનાના રાજીનામા પહેલાં અને પછી થયેલી પ્રદર્શનકારીઓની હત્યાઓની તપાસ કરશે. ટીમના બાંગ્લાદેશ પ્રવાસની જાહેરાત ગુરુવારે કરાઇ હતી. એક અધિકારીએ કહ્યું હતું કે 1971માં બાંગ્લાદેશની આઝાદી બાદ પ્રથમ વખત યુએનની ટીમ માનવાધિકાર ઉલ્લંઘનની તપાસ માટે પહોંચશે.






શેખ હસીનાની સરકારના પતનના થોડા દિવસો પછી 8 ઓગસ્ટે મોહમ્મદ યુનુસે વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર તરીકે શપથ લીધા હતા. યુએન જૂલાઈમાં અને આ મહિનાની શરૂઆતમાં બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા અત્યાચારોની તપાસ કરવા માટે આગામી સપ્તાહે એક તપાસ ટીમ મોકલી રહ્યું છે, મુખ્ય સલાહકારે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું. યુએન માનવાધિકારના વડા વોલ્કર તુર્કે બુધવારે મોડી રાત્રે મુખ્ય સલાહકાર પ્રોફેસર મોહમ્મદ યુનુસને કોલ કરીને આ પગલાની જાહેરાત કરી હતી.


દરમિયાન, વોલ્કર તુર્કે તેમના સમર્થનની ખાતરી આપી અને કહ્યું કે એક સમાવેશી, માનવાધિકાર કેન્દ્રિત અભિગમ એ સુનિશ્ચિત કરશે કે પરિવર્તન સફળ છે. વોલ્કરની પોસ્ટમાં યુનુસે કહ્યું હતું કે માનવ અધિકાર તેમના વહીવટનો આધાર હશે અને દરેક નાગરિકની સુરક્ષા સરકારની ટોચની પ્રાથમિકતા છે. માનવાધિકાર જાળવવા માટે તેમણે સંયુક્ત રાષ્ટ્ર પાસેથી સહયોગ માંગ્યો છે. મુખ્ય સલાહકારે યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસનો બાંગ્લાદેશના વિદ્યાર્થીઓની ક્રાંતિને ટેકો આપવા અને તેમની અભૂતપૂર્વ અને વિનાશક હત્યાઓ દરમિયાન વિદ્યાર્થી વિરોધીઓના અધિકારોની હિમાયત કરવા બદલ આભાર માન્યો હતો.


નોંધનીય છે કે બુધવારે બાંગ્લાદેશની ઈન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલની તપાસ એજન્સીમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં શેખ હસીના અને અન્ય 8 લોકો પર વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન નરસંહાર અને માનવતા વિરુદ્ધ અપરાધો કરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. આ પહેલા જૂલાઈના મધ્યથી સરકાર વિરોધી પ્રદર્શનમાં 500થી વધુ લોકો માર્યા ગયા હતા. 


આ પણ વાંચોઃ


Bangladesh: શું છે 'બાંગ્લિસ્તાન પ્લાન', જેને લઈને વધી શકે છે ભારતનું ટેન્શન? કટ્ટરવાદીઓના ષડયંત્રને લઈને ખળભળાટ