India UNSC Permanent Seat: ભારત લાંબા સમયથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં સ્થાઈ સભ્યપદની માંગણી કરી રહ્યું છે. બ્રિટને ભારતની આ માંગણીનું સમર્થન કર્યું  હતું. બ્રિટન બાદ ફ્રાંસે પણ ભારતને સ્થાયી સભ્યપદ આપવાને સમર્થન આપ્યું છે. ફ્રાંસે ભારતની સાથોસાથ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાયી બેઠકોની રચના માટે જર્મની, જાપાન અને બ્રાઝિલને તેના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો છે. આ અગાઉ અમેરિકા પણ ભારતનું ખુલ્લુ સમર્થન કરી ચુક્યું છે. 


UNમાં ફ્રાંસના નાયબ પ્રતિનિધિ નથાલી બ્રોડહર્સ્ટ એસ્ટીવએ આજે  સુરક્ષા પરિષદ સુધારણા પર UNSCની વાર્ષિક ચર્ચાને સંબોધિત કરતી વખતે જણાવ્યું હતું કે, ફ્રાંસ જર્મની, બ્રાઝિલ, ભારત અને જાપાનની કાયમી બેઠકો માટે કાયમી સભ્યો તરીકેની ઉમેદવારીને લઈને  વિચારણા કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, ફ્રાંસ આફ્રિકન દેશોમાંથી કાઉન્સિલના કાયમી સભ્યો પાસેથી વધુ પ્રતિનિધિત્વ ઈચ્છે છે, કારણ કે ભૌગોલિક પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે વધારે બેઠકોની ફાળવણી જરૂરી છે. 


ફ્રાંસે સુરક્ષા પરિષદના કાયમી સભ્યપદની ગંભીરતાનો પુનરોચ્ચાર કરતા કહ્યું હતું કે, વીટોનો મુદ્દો ખૂબ જ સંવેદનશીલ છે. આ બાબતે નિર્ણય લેવા માટે કાયમી બેઠકોની વિનંતી કરનારા દેશો પર નિર્ભર છે તેમ એસ્ટીવલે UNSCમાં ભારપૂર્વક જણાવ્યું હતું.


બ્રિટનનું પણ ભારતને ખુલ્લુ સમર્થન


ફ્રાંસ પહેલા બ્રિટને પણ UNSCના કાયમી સભ્યપદ માટે ભારતને સમર્થન આપ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રમાં બ્રિટનના રાજદૂત બાર્બરા વુડવર્ડે કહ્યું હતું કે, ભારત, જર્મની, જાપાન અને બ્રાઝિલ માટે કાયમી બેઠકો તેમજ કાઉન્સિલમાં કાયમી આફ્રિકન પ્રતિનિધિત્વને સમર્થન આપે છે. વુડવર્ડે જણાવ્યું હતું કે, યુકે સભ્યપદની બિન-સ્થાયી શ્રેણીના વિસ્તરણને પણ સમર્થન આપે છે, જે સુરક્ષા પરિષદની કુલ સભ્યપદને 20 ના દાયકાના મધ્યભાગમાં ઘણી વધી જાય છે.


કાયમી સભ્યોની સંખ્યા વધારવાની માંગ


વર્તમાનમાં UN સિક્યુરિટી કાઉન્સિલના માત્ર 5 જ સ્થાયી સભ્યો છે. જેમાં અમેરિકા, રશિયા, ચીન, ફ્રાંસ અને બ્રિટનનો સમાવેશ થાય છે. વૈશ્વિક વસ્તી, અર્થવ્યવસ્થા અને નવા ભૂ-રાજકીય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને લાંબા સમયથી સ્થાયી સભ્ય દેશોની સંખ્યા વધારવાની માંગ કરવામાં આવી રહી છે. ભારત લાંબા સમયથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદની માંગ ઉઠાવી રહ્યું છે. હવે ઘણા યુરોપિયન દેશોએ સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદને સમર્થન આપવા લાગ્યા છે.