Suicide Wave: જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલરનું નામ તો સૌકોઈએ સાંભળ્યું જ હશે. કહેવાય છે કે, હિટલર પહેલા વિશ્વયુદ્ધમાં તોપચી હતો અને બીજા વિશ્વયુદ્ધનું કારણ બન્યો. આ નાઝી સરમુખત્યારે બીજા વિશ્વયુદ્ધના અંતે પોતાને ગોળી મારી દીધી હતી. હિટલરની સાથે સાથે અનેક મોટા નાઝી નેતાઓએ પણ આત્મહત્યા કરી હતી. હિટલરે 30 એપ્રિલ 1945ના રોજ આત્મહત્યા કરી હતી. ત્યારબાદ નાઝી જર્મનીએ 8 મેના રોજ આત્મસમર્પણ કર્યું હતું. જોકે ત્યાર બાદ જર્મનીમાં વિચિત્ર સ્થિતિ સર્જાઈ હતી. હિટલરે આત્મહત્યા કરી તે બાદ હજારો જર્મન પુરુષો, મહિલાઓ અને બાળકોએ આત્મહત્યા કરી લીધી હતી. તેને સામૂહિક આત્મહત્યા લહેર અથવા સામૂહિક આત્મહત્યા વેવ તરીકે ઓળખવામાં આવે છે.


આ આત્મઘાતી વેવનો ઉલ્લેખ કરવામાં સૌકોઈને ભારે સંકોચ રહેતો હતો, પરંતુ વર્ષ 2015માં જ્યારે આ વિષય પર એક જર્મન પુસ્તક પ્રકાશિત થયું ત્યારે તે બેસ્ટ સેલર પુસ્તક બની ગયું. ઈતિહાસકાર ફ્લેરિયન હ્યુબરનું આ પુસ્તક 'પ્રોમિસ મી યુ વીલ શૂટ યોરસેલ્ફ' નામથી પ્રકાશિત થયું હતું. જેમાં તેને લગતી સનસનીખેજ ઘટનાઓનો ખુલાસો કરવામાં આવ્યો છે.

શું હતું કારણ?

વર્ષ 2015માં એક ઈન્ટરવ્યુમાં હ્યુબર પુસ્તકના લેખકે કહ્યું હતું કે, તે દરમિયાન સોવિયત સંઘને જર્મનીના દુશ્મન તરીકે જોવામાં આવી રહ્યું હતું. સોવિયેત સેનાને રેડ આર્મી તરીકે પણ ઓળખવામાં આવતી હતી. હિટલરના મૃત્યુ પછી જર્મનીના લોકોમાં ભય ફેલાયો હતો કે રેડ આર્મી તેમને મારી નાખશે, બળાત્કાર કરશે અને અસહ્ય ત્રાસ આપશે. આ ડરના કારણે લોકો આત્મહત્યા કરવા મજબૂર બન્યા હતા.

હ્યુબરે તેમના પુસ્તકમાં પણ આવી જ બાબતોનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે, લોકોને એવું લાગવા માંડ્યું હતું કે, રેડ આર્મીના આ ભયંકર જુલમથી બચવાનો એકમાત્ર રસ્તો છે આત્મહત્યા. આત્મહત્યાની મોટાભાગની પદ્ધતિઓ ડૂબી જઈને, પોતાને ગોળી મારવી, ફાંસી લગાવવી અથવા ઝેર પી જવાની હતી.

શું આત્મહત્યાની વેવનો ઉલ્લેખ પ્રતિબંધિત હતો?

અંગ્રેજીમાં છપાતા પ્રકાશકોએ હુબરના પુસ્તક વિશે લખ્યું છે કે, તે એક અનટોલ્ડ અને ક્યારેય ના સાંભળેલી કહાની છે. આ સિવાય ગાર્ડિયન નામના એક અંગ્રેજી મીડિયા ગ્રુપે લખ્યું છે કે, વર્ષ 2009માં યુરોપિયન ઈતિહાસકાર ક્રિશ્ચિયન ગોશેલે પણ આ વિષય પર એક પુસ્તક લખ્યું હતું. પરંતુ હ્યુબર કહે છે કે, જ્યાં સુધી તેમનું પુસ્તક પ્રકાશિત થયું ન હતું ત્યાં સુધી જર્મનીમાં આ વિષય વિશે વાત કરવાને લઈને લોકોમાં ખચકાટ અનુંભવાતો હતો.