નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારી સ્વાસ્થ્ય સંકટ સાથે હવે વૈશ્વિક લડાઇનું કારણ પણ બની રહ્યો છે. દુનિયાના તમામ દેશ વાયરસ પાછળ ચીનનું કાવતરું ગણાવી રહ્યા છે. અમેરિકાએ ખુલ્લેઆમ ધમકી આપી છે અને હવે જર્મનીએ તો ચીનને વળતરનું બિલ પણ મોકલી આપ્યું છે. અમેરિકા સિવાય અનેક યુરોપિયન દેશની જેમ જર્મની પણ ચીનને કોરોના વાયરસ ફેલાવવા માટે જવાબદાર ગણે છે. જર્મનીમાં અત્યાર સુધીમાં દોઢ લાખ કેસ આવી ચૂક્યા છે જ્યારે 4500થી વધુના મોત થયા છે.


જર્મનીએ ચીનને 149 બિલિયન યુરોનું બિલ મોકલ્યું છે જેથી કોરોના વાયરસથી થયેલા નુકસાનની ભરપાઇ કરી શકે. જેમાં 27 બિલિયન યુરો ટુરિઝમથી થયેલ નુકસાન, 7.2 બિલિયન યુરો ફિલ્મ ઇન્ડસ્ટ્રી, જર્મન એરલાઇન્સ અને નાના બિઝનેસને થયેલા 50 બિલિયન યુરોના નુકસાનના બિલને ચીન મોકલવામાં આવ્યું છે. તે સિવાય અમેરિકાએ પણ તપાસ ટીમ વુહાન મોકલવાની વાત કરી છે. ટ્રમ્પે કહ્યું હતું કે વુહાનથી કોરોના વાયરસની શરૂઆત થઇ છે અને ચીનથી અમે ખુશ નથી. અમેરિકા તપાસ કરી રહ્યુ છે કે શું આ વાયરસ ચીનના લેબથી પેદા થયો છે.

જોકે વુહાનની જે લેબને લઇને આરોપ લાગ્યા છે તેના ઇન્ચાર્જે કહ્યું હતું કે, આ વાયરસને બનાવી શકાતો નથી. આખી દુનિયામાં કોરોનાના કારણે એક લાખ 65 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાંથી એક લાખથી વધુ મોત યુરોપિયન દેશોમાં થયા છે.